સંકલન સમિતિના સભ્યોને દબાવવાનો પ્રયાસ, રમજુભા જાડેજાનું મોટું નિવેદન
રાજકોટમાં સંકલન સમિતિના આગેવાન રમજુભા જાડેજાએ નિવેદન આપતા કહ્યું કે સંકલન સમિતિ

રાજકોટમાં સંકલન સમિતિના આગેવાન રમજુભા જાડેજાએ નિવેદન આપતા કહ્યું કે સંકલન સમિતિ અસ્મિતાની લડત સામાજિક રીતે લડી રહી છે. ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યોને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપ દ્વારા ક્ષત્રિય સમાજમાં ફાંટા પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
રમજુભા જાડેજાએ કહ્યું કે ક્ષત્રિય સમાજના નામે પેઈડ જાહેરાતો અંગે અમે ગુજરાતના ચૂંટણીપંચને અને રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીને લેખિત રજુઆત કરી છે, છતાં કોઈ પગલાં તંત્ર દ્વારા લેવામાં આવ્યા નથી. આવતીકાલે ક્ષત્રિય સમાજ દ્વારા કેસરિયા સાફા પહેરી મતદાન કરવામાં આવશે.
તો જયરાજસિંહ જાડેજાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા પી.ટી. જાડેજાએ કહ્યું કે સંકલન સમિતિનો એક પણ સભ્ય કોઈ પક્ષ સાથે જોડાયેલો નથી. ક્ષત્રિય સંકલન સમિતિએ એક મહિના પછી કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું હતું. એક મહિના પછી ભાજપે રૂપાલાની ટિકિટ પછી ન ખેંચતા અમારે મજબૂરીવશ કોંગ્રેસને સમર્થન જાહેર કરવું પડ્યું. અમે કોઈ પાર્ટીનો પટ્ટો પહેરીને નથી ફરતા, માત્ર ક્ષત્રિય સમાજનો પટ્ટો પહેર્યો છે. 7 તારીખે ક્ષત્રિય સમાજના લોકો મત પેટી પાસે જશે એટલે તેમને બેટી દેખાશે અને ભાજપ વિરુદ્ધ જ મતદાન થશે.






