'24 કલાક રાહ જુઓ, પછી આવજો', ફરજ પર સૂતેલાં મહિલા ASIનો વીડિયો વાયરલ, તાત્કાલિક સસ્પેન્ડ

'24 કલાક રાહ જુઓ, પછી આવજો', ફરજ પર સૂતેલાં મહિલા ASIનો વીડિયો વાયરલ, તાત્કાલિક સસ્પેન્ડ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

રાજકોટ રેલવે પોલીસની માનવતાને શર્મસાર કરતી અને ફરજ પ્રત્યેની ઘોર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રેલવે સ્ટેશન પરથી એક માસૂમ બાળક ગુમ થતાં તેના ચિંતાતુર મામા ફરિયાદ નોંધાવવા રેલવે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જોકે, તે સમયે પોલીસ સ્ટેશન ઓફિસર (PSO) તરીકે ફરજ પર હાજર મહિલા ASI કામિનીબેન મારણકા ફરિયાદ સાંભળવાને બદલે પોલીસ સ્ટેશનમાં જ ગોદડું ઓઢીને આરામથી સૂઈ રહ્યા હતા. આ ગંભીર બેદરકારી બદલ પશ્ચિમ રેલવેના SP દ્વારા મહિલા ASIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

'24 કલાક રાહ જુઓ, પછી આવજો' તેવો ઉદ્ધત જવાબ

જાહેરાત

પોતાના ભાણેજની ચિંતાથી વ્યથિત મામાએ જ્યારે મહિલા ASIને જગાડીને બાળક ગુમ થયાની જાણ કરી, ત્યારે સંવેદનશીલતા દાખવવાને બદલે કામિનીબેને અત્યંત બેજવાબદાર વલણ અપનાવ્યું હતું. તેમણે ફરિયાદ લેવાનો સ્પષ્ટ ઈનકાર કરતા કહ્યું હતું કે, હમણાં 24 કલાક રાહ જુઓ અને ત્યારબાદ ફરિયાદ કરવા આવજો.

વીડિયો વાયરલ થતાં પોલીસ બેડામાં ખળભળાટ

ફરજ પરના પોલીસકર્મીની આવી ગંભીર બેદરકારી અને ગોદડું ઓઢીને સૂતેલી હાલતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઉચ્ચ અધિકારીઓ સુધી આ મામલો પહોંચતા જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક તપાસ હાથ ધરી ગુમ થયેલા બાળકને શોધી કાઢ્યું હતું.

મહિલા ASI કામિનીબેન મારણકાને સસ્પેન્ડ કરાયા

બાળક હેમખેમ મળી આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ ફરજમાં ગંભીર બેદરકારી દાખવનાર મહિલા ASI સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે. વાયરલ વીડિયો અને પ્રાથમિક તપાસના આધારે પશ્ચિમ રેલવેના SPએ કડક વલણ અપનાવીને મહિલા ASI કામિનીબેન મારણકાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત