'24 કલાક થઈ ગયા મોદીજી, ડરશો નહીં અને મારી સાથે ડિબેટ કરો', રાહુલ ગાંધીએ ફરી આપ્યો પડકાર

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે (3 નવેમ્બર) ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે વડાપ્રધાનને ખુલ્લી ચર્ચા કરવાનો પોતાનો પડકાર પુનરાવર્તિત કરતાં કહ્યું હતું કે, "મોદીજી, 24 કલાક થઈ ગયા. મેં તમને પડકાર આપ્યો છે. તમે કહો છો કે વિપક્ષ દેશદ્રોહી છે. તો તમે કોઈપણ સ્થળ પસંદ કરો અને મારી સાથે ચર્ચા કરો. દેશદ્રોહી કોણ છે? વિદેશી તાકાતો સાથે કોના સંબંધો છે અને કેવા પ્રકારના સંબંધો છે? શક્ય તેટલી વહેલી તકે ચર્ચા કરો, ડરશો નહીં."
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે, "આપણે બંને એકસાથે બેસીશું, મીડિયા હશે, દેશના યુવાનો હશે અને એક ટેબલ હશે. એક તરફ તમે બેસશો અને બીજી તરફ હું બેસીશ. તમે જેને જજ બનાવવા ઇચ્છો તેને બનાવી દો. મોહન ભાગવતજીને પણ બેસાડી દો. ચાલો, પછી ચર્ચા કરીએ."
PM મોદી સાથે આ મુદ્દાઓ પર સવાલ કરશે રાહુલ ગાંધી
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરી ચર્ચાનો પડકાર આપતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તેમણે એવા અનેક મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો, જેના પર તેઓ વડાપ્રધાન સાથે ચર્ચા કરવા ઇચ્છે છે.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "ચર્ચામાં નાણાકીય વ્યવસ્થા અને નાણાકીય માળખા જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવશે. અમેરિકી ડીલ કેવી રીતે થઈ? શા માટે થઈ? આટલી ઉતાવળમાં કેમ કરવામાં આવી? આ ડીલ માત્ર તમે જ કેમ કરી? કેબિનેટને તેની જાણકારી કેમ આપવામાં આવી નહીં? અદાણીનો કેસ કેમ બંધ થયો? એપસ્ટીનનો મુદ્દો... આવા અનેક મુદ્દાઓ પર ખુલ્લેઆમ ચર્ચા થશે."
દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે: રાહુલ ગાંધી
વડાપ્રધાન મોદીને ચર્ચા માટે આમંત્રણ આપતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "આવી જાઓ, ડરશો નહીં. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. તમે મારા પર આરોપો લગાવો છો, તો ચર્ચા માટે સામે આવો. બધું સ્પષ્ટ થઈ જશે."
તેમણે વધુમાં કહ્યું હતું કે, "બીજા મુદ્દાઓ પર તમે મારી સામે માનહાનિના કેસ દાખલ કર્યા છે. કદાચ મારી સામે 45 માનહાનિના કેસ ચાલી રહ્યા છે. પરંતુ આ ચર્ચા અને વિદેશી કનેક્શનના મુદ્દે તમે માનહાનિનો કેસ દાખલ કરી રહ્યા નથી. તો એ પણ દાખલ કરો ને! ત્યાં પણ ખુલ્લેઆમ ચર્ચા કરીશું. આવો, દરેક મુદ્દા પર વાત કરીએ."
અંતમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિવાળીની શુભેચ્છા પાઠવતાં કહ્યું હતું, "હેપ્પી દિવાળી, મોદીજી."











