Video/ સાવધાન! કમિશનની લાલચમાં બેંક ખાતું ભાડે આપશો તો જેલ જશો, Rajkot રેન્જમાં 184 સાયબર ઠગોની ઓળખ
સાયબર ક્રાઈમના નાણાં છુપાવવા માટે વપરાતા 'મ્યુલ એકાઉન્ટ્સ' વિરુદ્ધ રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવે લાલ આંખ કરી છે. રાજકોટ રેન્જના પાંચ જિલ્લાઓમાં સાયબર ફ્રોડના કરોડો રૂપિયા લોકોના બેંક ખાતામાં ટ્રાન્સફર થયા હોવાનો સનસનાટીપૂર્ણ ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, સામાન્ય લોકો કમિશનની લાલચમાં પોતાના બેંક ખાતા સાયબર ઠગોને ભાડે આપી રહ્યા છે.
રેન્જના 5 જિલ્લામાં કરોડોનું ટ્રાન્ઝેક્શન
આઈજી અશોકકુમાર યાદવના જણાવ્યા મુજબ, રાજકોટ રેન્જના પાંચ જિલ્લાઓ—દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ—માં કુલ 1077 મ્યુલ એકાઉન્ટ્સ મળી આવ્યા છે. આ ખાતાઓમાં સાયબર ઠગાઈના કુલ 19.25 કરોડ રૂપિયા જમા થયા છે. આ મામલે પોલીસે કડક કાર્યવાહી કરતા અત્યાર સુધીમાં 184 આરોપીઓની ઓળખ કરી લીધી છે.
કમિશનની લાલચમાં જેલની હવા ખાવાની નોબત
સાયબર ગુનેગારો ગ્રામીણ અને અજાણ્યા લોકોને લાલચ આપી તેમના બેંક એકાઉન્ટ ભાડે લે છે. લોકો થોડા રૂપિયાના કમિશન માટે પોતાના ખાતા ગુનેગારોને સોંપે છે, જેમાં સાયબર ક્રાઈમના નાણાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આઈજીએ સ્પષ્ટ કર્યું છે કે, જો તમારા ખાતામાં ફ્રોડના નાણાં આવશે તો તમે પણ ગુનાના ભાગીદાર ગણાશો.
રાજકોટ જિલ્લાના આ વિસ્તારો હોટસ્પોટ
તપાસમાં સામે આવ્યું છે કે રાજકોટ જિલ્લાના જેતપુર, વિંછીયા અને ગોંડલ પંથકમાં સૌથી વધુ મ્યુલ એકાઉન્ટ્સ સક્રિય છે અને અહીંના લોકોના ખાતામાં સાયબર ફ્રોડના નાણાં સૌથી વધુ જમા થયા છે.
રેન્જ આઈજીની અપીલ: બેંક ખાતું ભાડે ન આપો
રાજકોટ રેન્જ આઈજીએ જાહેર જનતાને ચેતવણી આપતા જણાવ્યું છે કે, "પોતાનું બેંક એકાઉન્ટ ક્યારેય કોઈ અજાણ્યા વ્યક્તિને ભાડે ન આપો. જો કોઈ વ્યક્તિ તમારું એકાઉન્ટ ભાડે લેવા કે કમિશન આપવા માટે સંપર્ક કરે, તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો."

