VIDEO: રાજકોટમાં 2.90 લાખ બાળકોના સ્ક્રીનિંગમાં કૅન્સર, હાર્ટ અને કિડનીની ગંભીર બીમારીઓનો ખુલાસો
VIDEO: રાજકોટ મહાનગરપાલિકા (RMC)ના આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલા મેડિકલ ચેકઅપ અભિયાનમાં અત્યંત ચોંકાવનારી વિગતો બહાર આવી છે. શહેરની 90 જેટલી આંગણવાડીઓ અને વિવિધ શાળાઓમાં ભણતા આશરે 2.90 લાખ બાળકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેમાં સેંકડો બાળકો ગંભીર અને જીવલેણ બીમારીઓથી પીડાતા હોવાનું સામે આવ્યું છે.
તપાસમાં સામે આવેલા ચોંકાવનારા આંકડા
1 વર્ષથી લઈને 18 વર્ષ સુધીના બાળકોની તપાસ દરમિયાન નીચે મુજબના ગંભીર રોગોના શંકાસ્પદ કેસો મળી આવ્યા છે:
હૃદય રોગ: 164 બાળકોમાં હૃદયની ગંભીર બીમારીના લક્ષણો જોવા મળ્યા.
કૅન્સર : 31 બાળકો કેન્સર જેવી જીવલેણ બીમારીથી પીડાતા હોવાની શંકા.
કિડની : 43 બાળકોમાં કિડની સંબંધિત ગંભીર સમસ્યાઓ સામે આવી.
લીવર: 6 બાળકોમાં લીવરની ગંભીર બીમારીઓ જોવા મળી.
મેડિકલ ઓફિસરનું નિવેદન અને કારણો
રાજકોટના મેડિકલ ઓફિસર જયદીપ ભૂંડ્યાએ આ મામલે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે, હાલમાં આ તમામ કેસો શંકાસ્પદ (Suspected) છે. બાળકોની તપાસમાં પ્રાથમિક લક્ષણો ગંભીર જણાતા તેમને વધુ નિદાન અને સચોટ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ તેમજ અમદાવાદની સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોમાં રિફર કરવામાં આવ્યા છે.
બાળકોમાં આટલી નાની ઉંમરે આવી ગંભીર બીમારીઓ જોવા મળવા પાછળનું એક મુખ્ય કારણ બહારનું ફાસ્ટફૂડ હોવાની શક્યતા ડોક્ટરો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આજના સમયમાં બાળકોમાં જંકફૂડ, પેકેજ્ડ ફૂડ અને અશુદ્ધ ખોરાકનું સેવન વધ્યું છે, જે લાંબા ગાળે અંગો પર ગંભીર અસર કરે છે.
તમામ સારવાર મફત કરવામાં આવશે
આરોગ્ય વિભાગે ખાતરી આપી છે કે જે બાળકોમાં આ બીમારીઓ પુષ્ટિ થશે, તેમને સરકારની વિવિધ યોજનાઓ હેઠળ અમદાવાદની કિડની ઈન્સ્ટિટ્યૂટ, કૅન્સર હોસ્પિટલ અને યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલ ખાતે ફ્રીમાં સારવાર અપાવવામાં આવશે.
વાલીઓ માટે ચેતવણી
આ ઘટના બાદ આરોગ્ય વિભાગે વાલીઓને અપીલ કરી છે કે: બાળકોને બહારના ફાસ્ટફૂડથી દૂર રાખી પૌષ્ટિક આહાર આપવો. બાળકોના શરીરમાં દેખાતા નાના ફેરફારોને નજરઅંદાજ ન કરવા.સમયસર મેડિકલ ચેકઅપ કરાવતા રહેવું.

