VIDEO: રાજકોટ-જેતપુર હાઈવે પર ટ્રાફિક જામ, NHAI અને કોન્ટ્રાક્ટરોની ઘોર બેદરકારી! વાહનોની લાંબી કતારો
VIDEO: સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે અત્યારે વાહનચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે. છેલ્લા અઢી વર્ષથી ચાલી રહેલી સિક્સ લેન હાઈવેની કામગીરી અને ખામીયુક્ત ડાયવર્ઝનને કારણે દરરોજ સવાર-સાંજ કિમી લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાજકોટથી ગોંડલ વચ્ચે પારડી અને કોઠારીયા ગામ પાસે સ્થિતિ અત્યંત ગંભીર બની છે.
ધીમી ગતિએ કામ અને તંત્રની ઉદાસીનતા
રાજકોટથી જેતપુર સુધીના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI) અને કોન્ટ્રાક્ટરોની બેદરકારી છતી થઈ રહી છે. અત્યાર સુધીમાં માત્ર 8 બ્રિજ જ કાર્યરત થઈ શક્યા છે, જ્યારે હજુ પણ 15 જેટલા બ્રિજ 'અંડર કન્સ્ટ્રક્શન' છે. યોગ્ય ડાયવર્ઝન અને સાઈન બોર્ડના અભાવે અજાણ્યા વાહનચાલકો અટવાઈ રહ્યા છે અને અકસ્માતનો ભય પણ વધી રહ્યો છે.
હજુ બે વર્ષ સુધી મુક્તિ નહીં!
સૂત્રોના જણાવ્યા અનુસાર, કામની જે વર્તમાન ગતિ છે તે જોતા આગામી દોઢ થી બે વર્ષ સુધી આ કામગીરી પૂર્ણ થાય તેવા કોઈ એંધાણ દેખાતા નથી. સવાર-સાંજ પીક અવર્સમાં નોકરિયાત વર્ગ, દર્દીઓ અને વેપારીઓ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહે છે. જનતાનો આક્રોશ છે કે જો ટેક્નોલૉજી (Technology) આટલી આગળ વધી હોય તો આ પ્રોજેક્ટમાં આટલો વિલંબ શા માટે?

