Video/ Rajkotના રેસકોર્સમાં હનુમાન ચાલીસા યુવા કથામાં મોટી દુર્ઘટના ટળી, VVIP ડોમમાં ભયાનક આગથી અફરાતફરી
રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત 'શ્રી હનુમાન ચાલીસા યુવા કથા'માં ગત રાત્રે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. કથા દરમિયાન અચાનક VVIP ડોમમાં આગ ફાટી નીકળતા શ્રદ્ધાળુઓમાં ભારે અફરાતફરી જોવા મળી હતી. દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ કાર્યક્રમમાં હાજર હજારો લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
કેવી રીતે બની ઘટના?
મળતી માહિતી મુજબ, કથાના કાર્યક્રમ દરમિયાન ફાયર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફાયર શો દરમિયાન અચાનક આગની જ્વાળાઓ VVIP ડોમ સુધી પહોંચી ગઈ હતી અને જોતજોતામાં ડોમનો અમુક હિસ્સો આગની લપેટમાં આવી ગયો હતો. ધાર્મિક માહોલ વચ્ચે અચાનક લાગેલી આગને કારણે લોકો ગભરાઈ ગયા હતા.
ભીડને કારણે સર્જાયો અફરાતફરીનો માહોલ
રેસકોર્સ ગ્રાઉન્ડમાં હનુમાન ચાલીસા યુવા કથા સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. એક તરફ આગ લાગી અને બીજી તરફ હજારોની મેદની હોવાને કારણે મેદાનમાં અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. લોકો જીવ બચાવવા માટે સુરક્ષિત જગ્યાએ દોડવા લાગ્યા હતા, જેના કારણે થોડીવાર માટે વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.
મોટી જાનહાનિ ટળી
આગ લાગતાની સાથે જ આયોજકો અને ત્યાં હાજર સુરક્ષાકર્મીઓ સતર્ક થઈ ગયા હતા. સમયસૂચકતા વાપરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ફાયર સેફ્ટીના સાધનો અને ત્વરિત કામગીરીને કારણે આગ વધુ પ્રસરે તે પહેલા તેને કાબૂમાં લેવામાં આવી હતી, જેના કારણે એક બહુ મોટી દુર્ઘટના ટળી હતી.

