રાજકોટમાં અસલી કરતા નકલી પોલીસની બોલબાલા, બે દિવસમાં જ 5 'નકલી પોલીસ' ઝડપાઇ

ગુજરાતભરમાંથી ઠેર ઠેરથી નકલી પોલીસ, નકલી અધિકારીઓ તેમજ નકલી ડૉક્ટરોના પકડાવાનો સિલસિલો છેલ્લા ઘણાં સમયથી યથાવત છે. એવામાં રાજકોટમાંથી નકલી પોલીસનો રાફડો ફાટ્યો હોય તેમ વર્તાઈ રહ્યું છે. અત્યાર સુધી તો આપણે અસલી પોલીસ દ્વારા કોઈ તોડપાણી કરવામાં આવ્યું હોય તેમ સાંભળ્યું હશે પરંતુ હવે નકલી પોલીસ દ્વારા તોડપાણી કરવાના કિસ્સાઓ રાજકોટમાં વધ્યા છે. ત્યારે પોલીસે બે દિવસમાં વધુ એક નકલી પોલીસની ઓળખ આપી તોડ કરતા, પોપટ પરામાં રહેતા નિહિર ભાનુ કુગશિયાની ધરપકડ કરી છે.
ગત 30 તારીખે યુગલ હોટલમાંથી બહાર નીકળતા જ , 'તમે અહીંયા શું કરવા આવ્યા છો ' તેમ કહીને એક યુવક પાસેથી તોડ કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી રૂ.50 હજારની માંગણી કરી હતી. યુવકે બદનામીના ડરે 12 હજાર રોકડ અને 19 હજાર ATMમાંથી ઉપાડી કુલ રૂ.31 હજાર નકલી પોલીસને આપ્યા હતા. આ સમગ્ર ઘટનાના cctv ફૂટેજ પણ સામે આવ્યા હતા. અંતે ફરિયાદ કરાતા એ ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ગઈ કાલે જ પોલીસે અન્ય ચાર શખ્સોની નકલી પોલીસની ઓળખ આપી તોડ અને અપહરણના ગુનામાં ધરપકડ કરી છે. આમ કરતાં બે દિવસમાં રાજકોટ શહેર પોલીસે કુલ 5 નકલી પોલીસની ધરપકડ કરી છે.
આ પણ વાંચો : રાજકોટ: લેન્ડ ગ્રેબિંગના ફરિયાદીની હત્યા મામલે કોળી સમાજના ધરણા, કરી આ માંગણી
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા નાકા પાસે શિવ પ્રતિમા એપાર્ટમેન્ટમાં રહેતો બંગાળી કારીગર મુરારીમોહન શત્રુધ્નદાસ ગઈ તા.૩૦ના રોજ સાંજે એસ.ટી. બસ સ્ટેન્ડ પાછળ આવેલ હોટલ મુનમાં મહિલા મિત્ર સાથે ગયો હતો. હોટલમાંથી બહાર નીકળતા જ આરોપીએ તેને અને તેની મહિલા મિત્રને અટકાવી પોતાની ક્રાઈમ બ્રાંચના માણસ તરીકે ઓળખ આપી કહ્યું કે, તમે હોટલમાં કયા કામથી આવ્યા છો તે મને ખબર છે, તમે ગેરપ્રવૃતિ કરવા આવ્યા છો, તમારે પોલીસ સ્ટેશને આવવું પડશે, તમારા વિરૃધ્ધ ગુનો દાખલ થશે તેમ કહી ડરાવી-ધમકાવ્યો હતો.
જેને કારણે મુરારીમોહન ભયમાં મુકાઈ ગયો હતો અને તેણે સાહેબ અહીં જ પતાવોને તેમ કહેતાં તેની પાસેથી આરોપીએ રૂ.૧ર હજાર રોકડા પડાવ્યા હતા. જયારે રૂ. ૧૯ હજાર એટીએમમાંથી કઢાવી લઈ લીધા હતા. આ રીતે આરોપીએ કુલ રૂ. ૩૧ હજારનો તોડ કર્યો હતો. ઘટના જાહેર થયા બાદ એ-ડિવિઝનના પીઆઈ બારોટ અને એએસઆઈ મહેશ લુવાએ તપાસમાં ઝુકાવ્યું હતું. આરોપી હોટલમાં પણ ગયો હોવાથી તેના સીસીટીવી ફુટેજ મેળવી તેના આધારે તેની ઓળખ મેળવી તેને ઝડપી લીધો હતો. રાત્રે પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી.
શહેરમાં પોલીસના નામે તોડની ઘટનાઓને ધ્યાનમાં લઈ ડીસીપી જગદિશ બાંગરવાએ લોકોને આ રીતે જો કોઈ શખ્સ પોલીસ તરીકેની ઓળખ આપી પૈસા માગે તો તેનું આઈકાર્ડ માગવા અને જરૂર પડે તો તત્કાળ પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે. આ ઉપરાંત જો અસલી પોલીસ પૈસા માગે તો તત્કાળ એસીબીનો સંપર્ક કરવા પણ અનુરોધ કર્યો છે. ઝડપાયેલા આરોપી મિહીરે આ અગાઉ પોલીસના નામે તોડપાણી કર્યા છે કે કેમ તે દિશામાં પણ પોલીસે હવે તપાસ હાથ ધરી છે.

