ખોખરામાં વેપારીના ફસાયેલા પૈસા કઢાવી આપવાના નામે છેતરપિંડીનો ખેલ, નકલી પોલીસકર્મી ઝડપાયો

અમદાવાદના ખોખરા વિસ્તારમાં વેપારી મહિલાને બાકી નાણાં કઢાવી આપવાની લાલચ આપી પોલીસની ઓળખ આપી રૂ. 23,500 પડાવી લેનાર નકલી પોલીસને ખોખરા પોલીસે ઝડપી પાડ્યો છે. ગત 30 ઓક્ટોબર 2026ના રોજ ફરિયાદી સંગીતાબેન નીલેશભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે અમરાઈવાડીના અલ્પેશ પરમાર સામે ગુનો દાખલ કરી ધરપકડ સાથે મુદ્દામાલ રિકવર કર્યો છે. તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી સામે 12 વર્ષમાં 4 કેસ થયા છે અને અમરાઈવાડીમાં જ અગાઉ ત્રણ વાર પકડાયો પણ હતો.
કેવી રીતે જાળમાં ફસાવતો?
ખોખરા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ અમરાઈવાડી વિસ્તારમાં રહેતો અલ્પેશ પરમાર ખોટી પોલીસની ઓળખ આપીને નાણાકીય છેતરપિંડી કરે છે. ફરિયાદી મહિલા વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી તેમની અગાઉની આર્થિક લેવડદેવડના નાણાં બાકી નીકળતા હતા. દરમિયાન અલ્પેશ પરમારે પોતે પોલીસ હોવાનું જણાવી બાકી નાણાં કઢાવી આપવાની ખાતરી આપી કુલ રૂ. 23,500 પડાવી લીધા હતા.
પોલીસનું કોઈ આઈ-કાર્ડ કે સરકારી સામગ્રી ન મળી
સમગ્ર મામલે ખોખરા પોલીસે ગુનો દાખલ કરી આરોપી અલ્પેશ પરમારની ધરપકડ કરી છે અને તેની પાસેથી રકમ પણ રિકવર કરી છે. જો કે તેની પાસેથી પોલીસનું કોઈ આઈ-કાર્ડ કે સરકારી સામગ્રી મળી આવી નથી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા અલ્પેશ પરમારનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો છે. તે અગાઉ વર્ષ 2014, 2018 અને 2025માં અમરાઈવાડી પોલીસ સ્ટેશનની હદમાં ડુપ્લિકેટ પોલીસ તરીકેના ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે. તે વિસ્તારમાં સક્રિય હોવાથી સ્થાનિક લોકોને પોલીસ હોવાનો રોફ બતાવી શિકાર બનાવતો હતો.










