Video: અંકલેશ્વર GIDCની શ્યામ એન્ટરપ્રાઇઝ કંપનીમાં ભીષણ આગ, કેમિકલ ભરેલા ડ્રમોમાં એક બાદ એક ધડાકા

અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલી શ્યામ એન્ટરપ્રાઇઝ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. કંપનીમાં આગ ફાટી નીકળતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
ડ્રમોમાં એક બાદ એક ધડાકા
પ્રાથમિક વિગતો મુજબ, કંપનીમાં સંગ્રહ કરવામાં આવેલા કેમિકલ ભરેલા ડ્રમોમાં આગના કારણે એક બાદ એક જોરદાર ધડાકા થવા લાગ્યા હતા. ડ્રમોમાં થતા ધડાકાઓને પગલે આગની ગંભીરતા વધી હતી અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કવાયત હાથ ધરી હતી.
જોકે, કંપનીમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે તે અંગે પણ સત્તાવાર વિગતો સામે આવી નથી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.







