Rajkot/ જેતપુરમાં પોલીસ પર કાર ચડાવવાનો પ્રયાસ કરી ભાગતા બુટલેગરોની કાર ગટરમાં ખાબકી

જેતપુરમાં જાણે સાઉથની કોઈ એક્શન ફિલ્મનો સીન ભજવાઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. દારૂની ખેપ મારી રહેલા બેફામ બુટલેગરોએ ધરપકડથી બચવા માટે સીધો પોલીસ જવાનો પર જ ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે જીવના જોખમે આ બુટલેગરોને દબોચી લીધા હતા.
પોલીસ પર હુમલાનો પ્રયાસ અને ફિલ્મી પીછો
ઘટનાની વિગત મુજબ, જેતપુરના ચાંપરાજપુર ફાટક પાસે પોલીસ વોચમાં હતી. આ દરમિયાન શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કરતા બુટલેગરોએ ઉભી રાખવાને બદલે પોલીસ જવાનો પર કાર હંકારી દીધી હતી. પોલીસ જવાનોએ સમયસૂચકતા વાપરી બાજુમાં ખસી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો.
ફિલ્મી ઢબે ભાગવા જતી આ કાર ધડાકાભેર એક બાઈક સાથે અથડાઈ હતી અને રોડ પર અકસ્માત સર્જી સીધી ગટરમાં ખાબકી હતી. કાર ગટરમાં ઉતરી જતાં બુટલેગરોનો ભાગવાનો 'ખેલ ખતમ' થયો હતો.
દારૂનો જંગી જથ્થો અને બોગસ નંબર પ્લેટનો પર્દાફાશ
પોલીસે ગટરમાં ખાબકેલી કારની તલાશી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની 2244 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. એટલું જ નહીં, બુટલેગરોની હોશિયારી જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારમાંથી અલગ-અલગ રાજ્યોની 8 બોગસ નંબર પ્લેટો મળી આવી હતી, જેનો ઉપયોગ તેઓ પોલીસને છેતરવા માટે કરતા હતા.
રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ
પોલીસે ઘટના સ્થળેથી બે શખ્સોની ધરપકડ કરી છે:
-
દિનેશકુમાર બિજ્નોઈ (રહે. રાજસ્થાન)
-
વીરારામ ચૌધરી (રહે. રાજસ્થાન)
મુદ્દામાલની વિગત
પોલીસે દારૂનો જથ્થો, કાર, મોબાઈલ અને બોગસ નંબર પ્લેટ સહિત કુલ રૂ. 16.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ જેતપુર તાલુકા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો.

