Video: AMCના દુધેશ્વર પમ્પિંગ સ્ટેશનમાંથી કેબલ ચોરી, એક ઝડપાયો

એન્કર:
અમદાવાદ મહાનગરપાલિકાના દુધેશ્વર પમ્પિંગ સ્ટેશનમાંથી કેબલ ચોરી થવાનો મામલો સામે આવ્યો છે. સિક્યુરિટી ગાર્ડની સજાગતાને કારણે ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં દ્રોણા કન્સ્ટ્રક્શન કંપનીનો કર્મચારી જીતુ ઠાકોર રંગે હાથ ઝડપાઈ ગયો છે. AMC દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે તેમજ જવાબદાર એજન્સી અને કર્મચારીઓ સામે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
અમદાવાદના દુધેશ્વર ખાતે આવેલા AMCના પમ્પિંગ સ્ટેશનમાં સિક્યુરિટી સ્ટાફની સજાગતાથી એક મોટી ચોરીનો પર્દાફાશ થયો છે. દ્રોણા કન્સ્ટ્રક્શન કંપનીમાં કામ કરતો કર્મચારી જીતુ ઠાકોર, જે સમયાંતરે પમ્પિંગ સ્ટેશને હાઇપોક્લોરાઇટ લેવા માટે આવતો હતો, તે આજે કેબલની ચોરી કરતા રંગે હાથ પકડાઈ ગયો હતો. સિક્યુરિટી ટીમે ત્વરિત કાર્યવાહી કરીને તેને ઝડપી પાડ્યો હતો અને સમગ્ર મામલો મનપાના ઉચ્ચ અધિકારીઓના ધ્યાને મૂક્યો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને મહાનગરપાલિકા દ્વારા જીતુ ઠાકોર સામે વિધિવત રીતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ઉપરાંત, AMC દ્વારા દ્રોણા કન્સ્ટ્રક્શન કંપનીને કારણ દર્શક નોટિસ ફટકારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પમ્પિંગ સ્ટેશન પર AMCના કયા કર્મચારી કે અધિકારીની બેદરકારી હતી તેની પણ કડક તપાસ કરવામાં આવશે.







