Video/ ધોરાજીની ભાદર નદીમાં ઝેરી પાણી આવતા વેગડી-તરવડાના ખેડૂતોમાં રોષ, પાક નિષ્ફળ જવાની ભીતિ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાંથી પસાર થતી ભાદર નદી અત્યારે પ્રદૂષણનો ભોગ બની છે. નદીમાં અચાનક પ્રદૂષિત અને કાળા-લીલા રંગનું પાણી આવી જતાં કાંઠા વિસ્તારના ગામોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વેગડી અને તરવડા ગામના ખેડૂતો, જેઓ સિંચાઈ માટે આ નદી પર નિર્ભર છે, તેમના ઉભા પાક પર જોખમ તોળાઈ રહ્યું છે.
સિંચાઈના પાણીમાં ઝેર ભળ્યું
ધોરાજી અને જામકંડોરણા વચ્ચે આવેલ વેગડી પુલ નીચેથી પસાર થતી ભાદર નદીમાં કેમિકલયુક્ત અને દુષિત પાણી ભળતા નદીનું પાણી પીવા કે ખેતી કરવા લાયક રહ્યું નથી. ખેડૂતોના જણાવ્યા અનુસાર, આ પાણીમાંથી અસહ્ય દુર્ગંધ આવી રહી છે. જ્યારે આ પાણી ખેતરોમાં પાકને આપવામાં આવે છે, ત્યારે પાક બળી જવાની અને ગુણવત્તા બગડવાની સમસ્યા સર્જાય છે.
આરોગ્ય અને જળચર જીવો પર ખતરો
આ પ્રદૂષિત પાણી માત્ર ખેતી જ નહીં, પરંતુ પશુ-પક્ષીઓ અને નદીમાં રહેતા જળચર જીવો માટે પણ જીવલેણ સાબિત થઈ રહ્યું છે. સ્થાનિક લોકોમાં ચામડીના રોગો અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ વધવાની દહેશત છે. નદીમાં રહેલી માછલીઓ અને અન્ય જીવો આ ઝેરી પાણીને કારણે મૃત્યુ પામી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
તંત્ર સામે રોષ અને રજૂઆત
તરવડા ગામના આગેવાન હસમુખભાઈ કથીરીયા અને ખેડૂત જમનાદાસભાઈએ જણાવ્યું કે, જો તાત્કાલિક આ દૂષિત પાણી રોકવામાં નહીં આવે તો ખેડૂતો પાયમાલ થઈ જશે. ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશ વોરાએ પણ સરકાર અને જવાબદાર તંત્ર પાસે આ પ્રદૂષણ ફેલાવનારા એકમો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.

