Rajkot/ 82 વર્ષનો વૃદ્ધ નીકળ્યો ‘નરાધમ’, બાળકી સાથે અડપલાં કરતો વીડિયો વાયરલ થતા પોલીસે ગણતરીના કલાકોમાં જ દબોચ્યો

રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. 150 ફૂટ રિંગરોડ પર મવડી ચોકડી નજીક એક 82 વર્ષના વૃદ્ધે માસૂમ બાળકી સાથે અડપલાં કરી હેવાનિયત આચરી હતી. જોકે, એક જાગૃત નાગરિકની સતર્કતાને કારણે આ નરાધમ વૃદ્ધનો ભાંડો ફૂટ્યો હતો અને પોલીસે ગણતરીની કલાકોમાં જ તેની ધરપકડ કરી લીધી છે.
સજાગ નાગરિકે ખોલ્યો ‘ઢગા’ વૃદ્ધનો પોલ
મવડી વિસ્તારમાં રહેતો 82 વર્ષીય વિરમ ભગો રસ્તા પર એક માસૂમ બાળકી સાથે ઉભો હતો. પસાર થતા લોકોને પ્રથમ દ્રષ્ટિએ એવું લાગતું હતું કે દાદા પોતાની પૌત્રી સાથે ઉભા છે અને તેને રમાડી રહ્યા છે. પરંતુ ત્યાંથી પસાર થતા એક સજાગ નાગરિકને વૃદ્ધની હરકતો શંકાસ્પદ લાગી હતી. તેમણે મોબાઈલમાં વીડિયો ઉતારતા વૃદ્ધની ગંદી કરતૂત કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
પૌત્ર સાથે રમવા માટે આવતી હતી
પ્રાપ્ત વિગતો મુજબ, ભોગ બનનાર બાળકી આ વૃદ્ધના પૌત્ર સાથે રમવા માટે આવતી હતી. વિશ્વાસના સંબંધને કલંકિત કરતા આ વૃદ્ધે બાળકીની માસૂમિયતનો લાભ ઉઠાવી તેની સાથે અડપલાં કર્યા હતા. જાગૃત નાગરિક દ્વારા આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
માલવીયા નગર પોલીસની ત્વરિત કાર્યવાહી
વીડિયો વાયરલ થતાની સાથે જ રાજકોટની માલવીયા નગર પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે ટેકનિકલ સોર્સ અને વીડિયોના આધારે તપાસ તેજ કરી ગણતરીની કલાકોમાં જ 82 વર્ષીય વિરમ ભગાની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

