રાજકોટ અગ્નિકાંડ : ભાજપના કોર્પોરેટરની ક્રાઇમ બ્રાંચે કરી પૂછપરછ, ગેમઝોનને રેગ્યુલરાઇઝ કરવા કરી હતી ભલામણ
રાજકોટ અગ્નિકાંડ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે હ

રાજકોટ અગ્નિકાંડ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે હવે આ મામલે ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીની ક્રાઈમ બ્રાંચ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. પરિણામે હવે આ પૂછપરછમાં શું ખુલાસા થાય છે તે જોવાનું રહેશે.
રાજકોટ મહાપાલિકાના ભાજપના વોર્ડ નં13ના કોર્પોરેટર નિતીન રામાણીએ પોતાને આ ગેરકાયદે બાંધકામની જાણ હતી, અને તેને ઈમ્પેક્ટ ફીના કાયદા હેઠળ રેગ્યુલરાઈઝ્ડસ કરાવવા તેમણે આર્કિટેક્ટને ભલામણ કર્યાનો ઘટસ્ફોટ કર્યો હતો.
ડેપ્યુટી ફાયર ઓફિસર વિરુદ્ધ મોટી કાર્યવાહી
બીજી તરફ એન્ટી કરપ્શન બ્યુરો(ACB)એ રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી ફાયર ઓફિસર બી.જે ઠેબા વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ઠેબા પાસે અપ્રમાણસર મિલકતો હોવાની ફરિયાદ નોંધાઈ છે. એસીબીએ 2012થી 2024 સુધીની બેંક ડીટેલ અને દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કર્યા છે. આવક કરતા 67.57 ટકા જેટલી વધુ રકમની સંપત્તિ મળી આવી.
અગ્નિકાંડમાં 28 લોકોના થયા હતા મોત
ઉલ્લેખનીય છે કે, રાજકોટના કાલાવડ રોડ પર TRP ગેમ ઝોનમાં ગત 25 મેના રોજ સાંજે ભીષણ આગ લાગી હતી. આ આગમાં 28 લોકોનો મોત નિપજ્યા હતા. મૃતદેહની હાલત એવી હતી કે DNA ટેસ્ટથી ઓળખ કરવી પડી હતી.








