RAJKOT : લીવરના વાયરથી ગળેટુંપો દીધો, બાદમાં પેટ્રોલ છાંટી યુવકનો મૃતદેહ સળગાવ્યો, હત્યારા ત્રણ આરોપીઓની ધરપકડ
Rajkot News : રાજકોટમાં યુવકની હત્યા કરી મૃતદેહ સળગાવાયાનો ભેદ ઉકેલાયો છે. આઠ લાખરૂપિયા પરત આપ

Rajkot News : રાજકોટમાં યુવકની હત્યા કરી મૃતદેહ સળગાવાયાનો ભેદ ઉકેલાયો છે. આઠ લાખરૂપિયા પરત આપવા ન પડે તે માટે ત્રણ આરોપીઓએ હત્યા કરી યુવકનો મૃતદેહ સળગાવી દીધો હતો. સ્વાતિ પાર્કમાં રહેતા બે ભાઈઓ સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા છે. આરોપીઓએ છકડો રિક્ષાના લીવરના વાયરથી ગળેટુંપો દઈ હત્યા કર્યાનો ખુલાસો થયો છે.
હત્યાનો ભોગ બનનાર વિપુલ વશરામભાઈ કિયાડા (ઉ.વ.36, રહે. ભગીરથ સોસાયટી, સંત કબીર રોડ) હતો. તેણે આરોપીને 8 લાખ આપ્યા હતા. જેની અવાર-નવાર ઉઘરાણી કરતો હતો. જેને પરિણામે આરોપીઓએ તેને મોતને ઘાટ ઉતારી દીધાનું બહાર આવ્યું છે.
પકડાયેલા 3 આરોપીઓ
1)શામળ ઉર્ફે વિરમ હિન્દુભાઈ વકાતર, ઉ.વ.26, રહે.જૂના સ્વાતિ પાર્ક-7ના ખુણે, કોઠારીયા રોડ, મૂળ ઢોકળવા, તા.ચોટીલા
2)મેહુલ ઉર્ફે હકો, ઉ.વ.31, રહે. સ્વાતિ પાર્ક શેરી નં.8, કોઠારીયા રોડ
3)સગીર આરોપી
આઠ લાખરૂપિયા પરત આપવા ન પડે તે માટે ત્રણ આરોપીઓએ હત્યા કરી
ક્રાઈમ બ્રાંચની તપાસમાં ખુલ્યું છે કે આરોપી શામળ ઉર્ફે વિરમે બે વર્ષ પહેલા કટકે-કટકે મિત્ર વિપુલ પાસેથી 8 લાખ લીધા હતા. હાલમાં શામળ પાસે રકમની સગવડ ન હતી. જેની સામે વિપુલ અવાર-નવાર ઉઘરાણી કરતો હતો. એટલું જ નહીં આ માટે ઘરે પણ જાતો હતો. બનાવના દિવસે તેણે શામળને કોલ કરી કહ્યું કે થોડા ઘણા રૂપિયાની સગવડ કરી રાખજે, હું રૂપિયા લેવા તારા વાડા પર આવીશ.
આ વાત શામળે તેના ભાઈ મેહુલ ઉપરાંત સગીર આરોપીને કરી હતી. તે સાથે જ વિપુલ સાંજે રૂપિયા લેવા આવે ત્યારે તેને પતાવી દેવાનું નકકી કરી લીધું હતું. આ યોજનાના ભાગરૂપે છકડો રિક્ષાના લીવરનો વાયર મંગાવી રાખ્યો હતો.
લીવરના વાયરથી ગળેટુંપો દીધો અને હત્યા કરી
બે દિવસ પહેલા સાંજે વિપુલ રૂપિયા લેવા માટે વાડા પર પહોંચતા જ આરોપીઓએ રાત સુધી તેની સાથે રૂપિયા બાબતે ચર્ચા કરી હતી. બાદમાં બીજી જગ્યાએ નિરાંતે બેસી ચર્ચા કરીએ તેમ કહી નજીકના વંડામાં લઈ ગયા હતા. જયાં થોડીવાર સુધી વાતચીત કર્યા બાદ વિપુલ આવતીકાલે રૂપિયા લેવા આવીશ, સગવડ કરી રાખજે તેમ કહી ઘરે જવા ઉભો થતાં જ શામળે તેને પાછળથી પકડી તેના બંને હાથ પણ પકડી લીધા હતા. ત્યારે બાકીના બને આરોપીઓએ તેના ગળામાં વાયર વીટાળી તેના વડે ગળે ટુંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધો હતો.
બીજા દિવસે સવારે પેટ્રોલ છાંટી મૃતદેહ સળગાવ્યો
ત્યારબાદ ત્રણેય આરોપીઓએ વિપુલની મૃતદેહને ઉપાડી બાજુના ખરાબામાં ફેંકી દીધી હતી. તે વખતે તેના બંને હાથપગ દોરીથી બાંધી, મોઢામાં પણ દોરી બાંધી દીધી હતી. આ પછી પોતાના વાડે જતા રહ્યા હતા.
મૃતદેહ પર કોઈના ફિંગર ન આવે અને મૃતદેહની ઓળખ ન થાય તે માટે બાઈકમાંથી પેટ્રોલ કાઢી બીજા દિવસે સવારે સળગાવી દીધી હતી. આરોપી શામળ છકડો રિક્ષા ચલાવે છે. જયારે તેનો ભાઈ મેહુલ પણ ડ્રાઈવીંગ કરે છે. હત્યાનો ભોગ બનનાર વિપુલ બે બહેનોનો એક જ ભાઈ હતો. તેને સંતાનમાં પુત્ર છે.








