મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હાસ્ય કરનારા હૂંફની કિંમત શું જાણે? પરિવારજનો મૃતદેહ માટે 3-3 દિવસ તડપ્યા પણ જવાબદારો ડોકાયા પણ નહીં!

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્રણ દિવસ થઇ ગયા છતા મૃતક

હાસ્ય કરનારા હૂંફની કિંમત શું જાણે? પરિવારજનો મૃતદેહ માટે 3-3 દિવસ તડપ્યા પણ જવાબદારો ડોકાયા પણ નહીં!

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્રણ દિવસ થઇ ગયા છતા મૃતકોના સ્વજનો રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં કોઇ મદદ માટે આવશે તેની રાહ જોઇને બેઠા હતા. બીજી તરફ ચૂંટણી પ્રચારમાં ઘરે ઘરે જઇને લોકો પાસે મત માંગનારા ભાજપના નેતાઓ અને રાજકોટના સત્તાધીશો કે હોદ્દેદારો આ ઘટના બાદ ગુમ થઇ ગયા હોય એમ ઘટનાસ્થળે તો ગયા, પણ જ્યારે પરિવારને હુંફની જરુર હતી ત્યારે એકેય ડોકાયા નહીં! રાજકોટના સત્તાધિશોએ માત્ર ઘટનાસ્થળ ઉપર જઇને માત્ર સંતોષ માણી લીધો હતો. ભાજપનો એક પણ નેતા હજુ સુધી પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે પરિવારને મળવા માટે, કે આ દુઃખની ઘડીમાં જ્યારે પરિવારને ખરેખર હુંફની જરુર હોય ત્યારે ઘેરહાજર રહ્યો હોવાની લોકમુખે ચર્ચા જાગી છે. સ્વજનો સવાલ કરી રહ્યાં છે કે, જ્યારે જવાબદારી માથે આવે એટલે સંતાઇને ભાગી જવા માટે જ આપણે આવા નેતાઓને ચૂંટ્યા છે? જ્યારે અમારે સૌથી વધારે તમારી મદદની જરૂર છે ત્યારે તમે જ ગાયબ થઇ જાવ તો અમારે કોની પાસે જવું?

આ નેતાજી અગ્નિકાંડની ઘટના બાદ જોવા મળ્યા નથી

વિસ્તારના ધારાસભ્ય- ડૉ. દર્ષિતા શાહ

રાજકોટના જે વિસ્તારમાં અગ્નિકાંડ થયો તે વિસ્તાર રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠકમાં આવે છે. જ્યા વર્તમાનમાં ભાજપના ડૉ. દર્શિતા શાહ ધારાસભ્ય છે. ડૉ. દર્શિતા શાહ વ્યવસાયે તબીબ છે. ઘટના બની તે બાદ ઘટનાસ્થળે પહોંચ્યા હતા પણ તે પછી તેઓ ક્યાય જાહેરમાં દેખાયા નથી. તબીબ હોવાના નાતે તેમની ફરજ બને છે કે મૃતકોના પરિવારજનોને મળીને થોડી ઘણી વાત કરીને તેમને મદદનું આશ્વાસન આપી હૂંફ આપી શક્યા હોત.

મહાનગરપાલિકાના નગરસેવકો પણ ગાયબ

અગ્નિકાંડ જે વિસ્તારમાં થયો તે વિસ્તાર શહેરના કાલાવડ રોડના નામથી ઓળખવામાં આવે છે. આ વિસ્તાર રાજકોટ મનપાના વોર્ડ નંબર-10માં સામેલ છે. આ વિસ્તારના ચાર નગરસેવકો છે જે તમામ ભાજપના છે.

1) ડૉ. રાજેશ્વરીબેન ડોડીયા: પોતે વ્યવસાયે રાજેશ્વરી બહેન પોતે રાજકોટ હેલ્થ ડિપાર્ટમેન્ટના ચેરપર્સનનો હોદ્દો ધરાવે છે.જ્યારથી આ ઘટના બની ત્યારથી ડૉ. રાજેશ્વરી બેન ડોડીયા પીએમ રૂમની મુલાકાતે આવ્યા નથી.

2) ચેતન સુરેજા: કડવા પાટીદાર નેતા છે અને બિલ્ડર છે. સામાજિક આગેવાનની છાપ ધરાવે છે અને પોતે વોર્ડ નંબર 10ના નગરસેવક છે. આમ તો સામાન્ય દિવસોમાં પણ આ નગરસેવક દેખાતા નથી પણ તેમના વિસ્તારમાં જ આટલી મોટી ઘટના બની ગઇ હોય ત્યારે તેમની પાસેથી શું અપેક્ષા રાખવી?

3) જ્યોત્સનાબેન ટીલાળા: ભાજપના મહિલા અગ્રણી છે અને સામાજિક આગેવાનની સાથે સાથે વોર્ડ નંબર-10ના નગરસેવક છે. અગ્નિકાંડની ઘટના જ્યાં બની ત્યાંથી માત્ર 500 મીટરના અંતરે તેમનું રહેણાંક આવેલું છે. ઘટનાના ચાર દિવસ પછી પણ તેઓ હૉસ્પિટલમાં મૃતકોના સ્વજનોના પરિવારજનોને મળ્યા નથી.

4) નરેન્દ્રસિંહ વાઘેલા (નીરૂભા વાઘેલા): પોતે બિઝનેસમેન છે અને ભાજપના નગરસેવક છે. જ્યાં અગ્નિકાંડમાં નાના ભૂલકાઓ સહિત 28 લોકો આગમાં ભૂંજાયા તે ઘટનાસ્થળેથી માત્ર 500 મીટરના અંતરે તેમનું રહેણાંક આવેલું છે. 500 મીટરના અંતરે આ ઘટના બની હોવા છતા તેઓ હજુ સુધી ડોકાયા ના હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

સમગ્ર અગ્નિકાંડમાં પોલીસે છ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે અને તેમાંથી કેટલાકની ધરપકડ પણ કરી છે. જનતાએ ચૂંટણીમાં ખોબલેને ખોબલે જેમને મત આપ્યા હતા તે નગરસેવકો અને ધારાસભ્યો ક્યાંક પોતાની ફરજ અને જવાબદારી નીભાવતા ચુકી ગયા છે. અત્યાર સુધી જ્યાં મોતનું ગેમ ઝોન ધમધમતું હતું તે વિસ્તારના ધારાસભ્ય-નગરસેવકોને શું આ બાબતની જાણ નહતી? શું તેમને ખબર હતી કે TRP ગેમ ઝોને એક પણ પ્રકારની NOC લીધી નથી? શું આ ઘટનામાં તેમની પણ સંડોવણી છે? શું તેમના બાળકો પણ આ ગેમ ઝોનમાં જતા હતા?

માત્ર ધારાસભ્ય અને નગરસેવકો જ નહીં પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડિયા તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર પણ અહીં પોતાની ફરજ અને જવાબદારી ચુક્યા છે. રાજકોટના પ્રથમ નાગરિક ગણાતા મેયર પણ અગ્નિકાંડની ઘટના બાદ પીએમ રૂમ ખાતે મૃતકોના પરિવાજનોની મુલાકાત લીધી નથી.

TRP ગેમિંગ ઝોનમાં ત્રણ મહિના પહેલા પણ આગ લાગી હતી

TRP ગેમિંગ ઝોનમાં ત્રણ મહિના પહેલા પણ આગની ઘટના બની હતી. આ સમયે રાજકોટ મહાનગરપાલિકા કે ફાયર બ્રિગેડ દ્વારા કોઇ પગલાં લેવામાં આવ્યા નહતા. આગ બુઝાવી ફાયર અને ઝોનના માલિકોએ સંતોષ મેળવ્યો હતો. એ સમયે જો ઝોન સીલ કરી દેવામાં આવ્યો હોત તો આ કરૂણાંતિકા અટકાવી શકાઇ હોત.

રૂપાલાનો થયો હતો વિરોધ

રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા TRP ગેમ ઝોન અગ્નિકાંડના ત્રીજા દિવસે સિવિલમાં ફરકતાં મૃતકોના સ્વજનોએ તીખા સવાલ સાથે નારાજગી વ્યક્ત કરી હતી. રાજકોટથી ચૂંટણી લડીને રૂપાલા હજું તો ચૂંટાયા નથી ત્યાં જ અગ્નિકાંડ છતાં રાજકોટમાં દેખાતા પણ નથી અને રાજકોટની બહાર જતા રહ્યા એવી ટીકાઓના પગલે રોષનો સામનો કરવો પડ્યો હતો.રાજકોટ અગ્નિકાંડ બાદ લોકોનો ગુસ્સાને ભાંપતા રૂપાલા બચાવમાં આવી ગયા હતા અને કહેવા લાગ્યા કે હું બીજા જ દિવસથી આવી ગયો છું. એટલું ખરૂં કે અહીં (સિવિલમાં) નહોતો આવ્યો પરંતુ તેમાં મારૂં માનવું એમ છે કે રૂબરુ આવવાથી પ્રક્રિયામાં વ્યવધાન આવે.

આ સમાચાર શેર કરો