Rajkot: એર ઇન્ડિયાની ફલાઇટ 31 ઓગસ્ટ સુધી રહેશે બંધ, દૈનિક ઉડાનમાં ઘટાડો
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાની રાજકોટ-મુંબઈ અને મુંબઈ-રાજકોટ

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાની રાજકોટ-મુંબઈ અને મુંબઈ-રાજકોટ વચ્ચેની ફ્લાઈટ સેવા 31 ઓગસ્ટ, 2025 સુધી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયનું મુખ્ય કારણ મુસાફરોની ઘટતી સંખ્યા અને ટેકનિકલ ખામીઓ જણાવવામાં આવ્યું છે. રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી દૈનિક ઉડાન ભરતી ફ્લાઈટની સંખ્યા, જે અગાઉ 10 હતી, તે હવે ઘટીને 8 થઈ ગઈ છે.
અમદાવાદ પ્લેન ક્રેશની અસર
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ મુસાફરોમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ પ્રત્યે ડર અને અનિશ્ચિતતા વધી છે. પરિણામે એર ઇન્ડિયાની ફલાઇટમાં મુસાફરી કરવાનું સતત મુસાફરો ટાળી રહ્યા હોવાનું સામે આવ્યું છે. જેને પગલે મુસાફરોની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. એર ઈન્ડિયાની ફ્લાઈટ સેવાઓના સસ્પેન્શનનો નિર્ણય અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ થયેલી એર ઈન્ડિયા ફ્લાઈટ AI171ની દુર્ઘટના બાદ લેવાયો છે, જેમાં 241 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સહિત 274થી વધુ લોકોના મોત થયા હતા.
અમદાવાદમાં બોઈંગ 787-8 ડ્રીમલાઈનરના ક્રેશ બાદ, જે લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહ્યું હતું,આ ઘટનામાં માત્ર એક મુસાફર, વિશ્વાસકુમાર રમેશ, બચી શક્યો હતો. આ દુર્ઘટનાએ એર ઈન્ડિયાની સલામતી અને વિશ્વસનીયતા પર સવાલો ઉભા કર્યા છે, જેના કારણે મુસાફરો એર ઈન્ડિયાની ફ્લાઈટ્સમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે.






