Kutch news: આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને રેલવે દ્વારા અપાઈ મંજૂરી, માલસામાનની વહન ક્ષમતામાં થશે વધારો
ગુજરાતમાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા અને ક્ષમતા વધારવા માટે ભારતીય રેલવેએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો

ગુજરાતમાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા અને ક્ષમતા વધારવા માટે ભારતીય રેલવેએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવેના આદિપુર-ભુજ રેલ સેક્શન (49 કિલોમીટર)ના ડબલિંગ (બેવડી લાઇન)ના કામને ₹493 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી કચ્છ રેલવે લાઈનનું નેટવર્ક વધુ મજબૂત બનશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને લઈને અમદાવાદના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM)એ જણાવ્યું કે, 'આ પ્રોજેક્ટ નેટવર્ક ક્ષમતાના વિસ્તરણ માટે સ્વીકૃત કરવામાં આવ્યો છે. વ્યાપારી અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ એવા આ રેલ સેક્શનના ડબલિંગથી કચ્છ ક્ષેત્રમાં રેલ કનેક્ટિવિટી અને ઓપરેશનલ ક્ષમતામાં મોટો વધારો થશે.'
વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ક્ષમતા વિસ્તરણ
ગાંધીધામ-નલિયા કોરિડોર પર આવેલો આદિપુર-ભુજ સેક્શન હાલ સિંગલ રેલ લાઇન ધરાવે છે. આ વિસ્તારમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ્સ જેવા કે ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન, નલિયા-વાયોર લાઇન વિસ્તરણ વગેરે પૂર્ણ થયા બાદ ટ્રાફિકમાં ભારે વધારો થવાની સંભાવના છે. હાલમાં આ લાઇનનો ઉપયોગ સતત વધી રહ્યો છે, અને વર્ષ 2029-30 સુધીમાં તે 123 ટકા સુધી પહોંચવાનો અંદાજ છે, જેને પગલે સમયસર આ ક્ષમતા વિસ્તરણ અત્યંત જરૂરી બન્યું હતું.
મુસાફરો અને માલસામાનના પરિવહનને શું થશે ફાયદો?
વધારાની ટ્રેનો: આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી બંને દિશામાં દરરોજ બે વધારાની પેસેન્જર ટ્રેનો ચલાવવી શક્ય બનશે, જેનાથી મુસાફરોને વધુ સારી સુવિધા મળશે.
માલસામાન વહન ક્ષમતા: ડબલ લાઇનના નિર્માણથી દર વર્ષે 12 મિલિયન ટન (MTPA) વધારાનો માલસામાન પરિવહન શક્ય બનશે.
આર્થિક બૂસ્ટર: આ પ્રોજેક્ટથી પશ્ચિમ ગુજરાતમાં લોજિસ્ટિક્સ સિસ્ટમ મજબૂત થશે, અને ઔદ્યોગિક વિસ્તારોને શ્રેષ્ઠ રેલ કનેક્ટિવિટી મળશે, જેનાથી કચ્છના આર્થિક વિકાસને નવી ગતિ મળશે.








