Anand: પોલીસ સાથે તકરાર બાદ ગંભીરા બ્રિજના પીડિતોને રાહુલ ગાંધી સાથે મળવા દેવાયા
ગુજરાતમાં 2027ની વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. એવામાં કોંગ્

ગુજરાતમાં 2027ની વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. એવામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે (26 જુલાઈ) ગુજરાત પહોંચ્યા છે. હાલ, રાહુલ ગાંધી આણંદમાં છે અને આ દરમિયાન તેમના કાર્યક્રમમાં હોબાળો જોવા મળ્યો હતો. હકીકતમાં થોડા સમય પહેલાં વડોદરામાં ગંભીરા પૂલ તૂટી પડવાના કારણે પોતાના સ્વજનો ગુમાવનાર પીડિત પરિવારો અહીં પહોંચી આવ્યા હતા. તેઓ રાહુલ ગાંધીને મળવા ઈચ્છતા હતા. જોકે, પોલીસ દ્વારા તેમને રાહુલ ગાંધીને મળતા અટકાવવામાં આવ્યા હતા.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, રાહુલ ગાંધી આણંદના બંધન પાર્ટી પ્લોટમાં કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા હતા. આ દરમિયાન વડોદરામાં 9 જુલાઈએ ગંભીરા બ્રિજ તૂટી પડ્યો હતો અને 21 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સ્વજનોને ગુમાવનાર આ પરિવારોમાંથી 10 જેટલા પીડિત પરિવારો શનિવારે આણંદમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં પહોંચી ગયા હતા. પરિવારો પોતાને ન્યાય મળે અને કેન્દ્ર સુધી પોતાનો અવાજ પહોંચે તે માટે રાહુલ ગાંધીને મળવા પહોંચ્યા હતા. લગભગ 10 જેટલા પીડિત પરિવારો રાહુલ ગાંધીને મળીને પોતાની વાત રજૂ કરવા ઈચ્છતા હતા. જોકે, પોલીસે આ લોકોને રાહુલ ગાંધીને મળવા જવા દેવાનો ઈનકાર કરી દીધો હતો. પીડિત પરિવારો અને કોંગ્રેસના નેતાઓએ પોલીસ સાથે રકઝક કરી હતી, તેમ છતાં પોલીસે સુરક્ષાના ધોરણોને ટાંકીને પરિવારોને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા નહતી દીધી.
પોલીસે શું કહ્યું?
જોકે, આ મામલે સુરક્ષામાં હાજર પોલીસે જણાવ્યું કે, જે પણ પીડિત પરિવારો રાહુલ ગાંધીને મળવા માટે આવ્યા હતા, તેમની પાસે કાર્ડ નહતાં. સુરક્ષાના ધોરણે અમને આદેશ આપવામાં આવ્યો હતો કે, કોઈપણ વ્યક્તિ જેની પાસે વિઝિટિંગ કાર્ડ ન હોય તેને પ્રવેશ મળી શકે નહીં. તેથી અમે ફક્ત અમારી ફરજ નિભાવી રહ્યા હતા.
કોંગ્રેસનો આરોપ
આ દરમિયાન પોલીસના વલણ પર કોંગ્રેસી કાર્યકરો રોષે ભરાયા હતા. ઘટનાસ્થળે હાજર કોંગ્રેસના કાર્યકરોનું કહેવું હતું કે, દર વખતે અમારી સાથે આવું કરવામાં આવે છે. રાજકોટ આગકાંડના પીડિતોને પણ નહતા મળવા દેવાયા, મોરબી વખતે પણ આ વસ્તુ થઈ હતી અને હાલ પણ આ લોકો હકીકત છૂપાવવા માટે પીડિતોને મળવા નથી દેવા માંગતા. રાહુલ ગાંધી પાસે પોતાની ખુદની પણ સિક્યોરિટી છે, તેથી સુરક્ષાના નામે પોલીસ ફક્ત સત્ય છુપાવવાનો પ્રયાસ કરે છે અને પીડિતોનો આરોપ કેન્દ્ર સુધી પહોંચવા નથી દેવા ઈચ્છતા.
આખરે પીડિતોની થશે રાહુલ ગાંધી સાથે મુલાકાત
પોલીસ સાથે શાબ્દિક ઘર્ષણ બાદ ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પીડિત પરિવારો રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે. કોંગ્રેસ દ્વારા મુલાકાત કરનાર લોકોના નામ પોલીસને લેખિતમાં આપવામાં આવ્યા છે.
જયંતી રાઠોડ
પ્રકાશ પટેલ
પાયલબેન પઢિયાર
સીતાબેન ચાવડા
કિરણભાઈ
અર્જુનભાઈ ચાવડા






