સુરેન્દ્રનગર / અંધશ્રદ્ધા વિરોધી બિલનો ભુવાઓએ કર્યો વિરોધ, જાણો શું કહ્યું
ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર શરૂ થયું છે. સત્રના પ્રથમ દિવસે ગૃહમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી

ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર શરૂ થયું છે. સત્રના પ્રથમ દિવસે ગૃહમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અંધશ્રદ્ધા વિરોધી બિલ રજૂ કર્યું હતું. આ બિલ વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર થઈ ગયું છે. અંધશ્રદ્ધાનું આચરણ કરનાર કે કરાવનારને જામીન મળશે નહીં. જો કે સુરેન્દ્રનગરમાં ભુવાઓએ આ બિલનો વિરોધ કર્યો છે.
ભુવાઓનો વિરોધ, કહ્યું - તાંત્રિકવિધિઓ કરનારા સામે પગલાં લો
અંધશ્રદ્ધા વિરોધી બિલનો વિરોધ કરતા ભુવાઓએ કહ્યું કે લોકોના આસ્થાનું સ્થાન છે તે અંગે સરકાર દ્વારા કાયદો ન બનાવવો જોઈએ. આ સાથે ભુવાઓએ કહ્યું કે જે લોકો ખોટી તાંત્રિકવિધિઓ કરે છે તેમના સામે પગલાં ભરવા જોઈએ. સરકાર આ કાયદો પસાર કરતા પહેલા વિચાર કરવો જોઈએ તેવી માંગ તેમણે કરી હતી.
6 મહિનાથી લઈને 7 વર્ષ સુધીની કેદ
વિધાનસભામાં રજૂ કરાયેલા અંધશ્રદ્ધા વિરોધી બિલ પ્રમાણે, કોઈ વ્યક્તિ દ્વારા અથવા પોતે કાળા જાદુ, અનિષ્ટ અને અઘોરી પ્રથા, માનવ બલિદાન અને બીજી અમાનુષ, કાવતરુ કરાવડાવે, વ્યવસાય કરે, જાહેરખબર આપે અથવા ઉત્તેજન આપીને લાગુ કરાયેલા કાયદાનો ભંગ કરનારા સામે આ અધિનિયમની જોગવાઈઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ અધિનિયમની જોગવાઈઓ ભંગ કરનારાને બિન જામીનપાત્ર ગુનો નોંધીને 6 માસથી 7 વર્ષ સુધીની કેદ, 5 હજારથી 50 હજાર સુધીનો દંડની જોગવાઈ છે.
અનિષ્ટ અને દુષ્ટ પ્રથા થશે નાબુદ
ગુજરાતમાં અજ્ઞાનતાના કારણે ઘણી જગ્યાએ અનિષ્ટ અને દુષ્ટ પ્રથા ચાલતી આવે છે. જેમાં માનવ બલિદાન, વાળથી બાંધી લટકાવવાના બનાવો, મરચાંનો ધુમાડો કરવાની કે ભૂત અને ડાકણ કાઢી આપવાના કૃત્યો, અધોરી પ્રથા અને કાળા જાદુના પ્રયોગ થતાં હોય છે.








