સુરતમાં સહારા દરવાજા વિસ્તારના રોડ પરના દબાણ દૂર કરાયા, 2800 ચો.ફુટ રોડ થયો ખુલ્લો
સુરત પાલિકાના લિંબાયત ઝોને ટીપી રસ્તા ઉપર થતા દબાણ દુર કરવાની કામગીરી હા

સુરત પાલિકાના લિંબાયત ઝોને ટીપી રસ્તા ઉપર થતા દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરી હતી.. સહારા દરવાજા વિસ્તારના સોનિયા નગર માંથી પસાર થતા 12 મીટર પહોળા રોડ પર લારી- ગલ્લા દબાણ દુર કરી 2800 ચો.ફુટ રોડ ખુલ્લો થયો હતો. પાલિકાએ 27 લારીઓ દૂર કરીને અન્ય સાધનો જપ્ત કરી 11500 રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો. જોકે, લિંબાયત ઝોને આ દબાણ દુર કર્યા છે પરંતુ હજુ અનેક વિસ્તારમાં ભારે દબાણ છે તેના કારણે ભારે ટ્રાફિક સમસ્યા થઈ રહી છે.
27 લારી જપ્ત થઈ
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી જાહેર રસ્તા પરના દબાણ દુર કરવા માટેની ડિમાન્ડ સતત થઈ રહી છે. આ ડિમાન્ડ બાદ ગઈકાલે સાંજે પાલિકાના લિંબાયત ઝોન દ્વારા ફાઈનલ .ટી.પી.સ્કીમ નં. ૦૮ (ઉમરવાડા) માં સહારા દરવાજા પાસે આવેલા સોનિયા નગરમાં 12 મીટર પહોળા રોડ પર દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ રોડ પર 27 લારી જપ્ત કરવામા આવી છે. આ ઉપરાંત છાપરા- અને એંગલ બહાર કાઢવામાં આવ્યા હતા તે દુર કરવામાં આવ્યા છે. આ દબાણ દુર કરવાની કામગીરી કરીને 2800 ચોરસ ફૂટ જેટલો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. લારીઓ સાથે 48 વસ્તુઓ પણ જપ્ત કરી 11500 રૂપિયાનો દંડ વસૂલ કરાયો છે. આ દબાણ દુર કરવા હાલ પૂરતો આ રોડ પર ટ્રાફિકની સમસ્યા માં થોડો ઘટાડો આવશે.
ટ્રાફિક વકરી
સુરત પાલિકા દબાણ દુર કરવાની કામગીરી કરે છે તેના કરતા અનેકગણા દબાણ છે તે કાયમી ધોરણે દુર કરવા માટે કોઈ નક્કર પગલાં ભરવામાં આવતા નથી. જેના કારણે સુરતમાં દિવસેને દિવસે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. જાહેર રસ્તા પર ગેરકાયદે દબાણ ના કારણે અકસ્માત થવા સાથે સાથે લોકોને લાખો રૂપિયાના ઈંધણનો પણ વ્યય થઈ રહ્યો છે તેથી દરેક વિસ્તારમાં જાહેર રસ્તા પર થતા દબાણ કાયમી ધોરણે હટાવવા માટેની માગણી થઈ રહી છે.








