બોડેલીના વડાતળાવ રેસિડેન્સી શાળામાં પીરસાય છે ગુણવત્તાવિહિન ભોજન, વાલીઓએ કેમ્પસમાં પહોંચી યોજ્યા દેખાવો
છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે સરકાર દ્વારા છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુ

છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે સરકાર દ્વારા છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકામાં રેસિડેન્સી શાળાઓ બનાવવામા આવી છે. જ્યાં બાળકોને રહેવાનું અને જમવાનું મફતમા આપવામા આવે છે. પરંતુ કેટલીક શાળામાં વિધાર્થીઓ સાથે અન્યાય થતો હોય તેમ લાગી રહ્યું છે.
વાલીઓને અંદર ન જવા દેવાયા
બોડેલી તાલુકાની વડાતલાવ ગામ પાસે આવેલ રેસિડેન્સી શાળાની કેટલીક વિદ્યાર્થિનીઓએ તેમના વાલીઓને જણાવ્યું કે, શાળામાં તેમને મેનૂ પ્રમાણે જમવાનું આપવામા આવતું નથી. પાણીની પૂરતી વ્યવસ્થા નથી. શિયાળાના સમયે પણ ગરમ પાણી આપવામાં આવતું નથી. બાથરૂમમાં પણ પૂરતા પાણીની વ્યવસ્થા નથી. જમવામાં રોજ બટાકાનું જ શાક આપવામા આવે છે. આવી તો અનેક તકલીફોની રજૂઆત બાળકોએ કરી. જેને લઇ આસપાસ ગામના વાલીઓ ભેગા થઈને શાળા પર પહોંચ્યા. પણ તેમને સ્કૂલમાં પ્રવેશવા માટેની મંજૂરી આપવામા આવી ન હતી. કલાકો બાદ કેટલાક વાલીઓને સ્કૂલમાં બોલાવ્યા પણ તેમની રજૂઆત યોગ્ય રીતે સાંભળવામાં આવી નહીં. વાલીઓની વાત સાંભળી મીડિયાએ હકીકત જાણવા માટે શાળામાં જવાની કોશિશ કરી તેમને પણ પ્રવેશ અપાયો નહીં. જેથી લાગી રહ્યું છે કે વિદ્યાર્થીનીઓને મળતા સરકારના લાભોમાં પણ સંચાલકો કટકી કરતા હોય તેમ લાગી રહ્યું છે.
વિદ્યાર્થિનીઓનો અવાજ દબાવવા પ્રયાસ
વાલીઓએ તો મીડિયા સમક્ષ પોતાની દીકરી ઓ સાથે અન્યાય થઈ રહ્યો હોવા ની વાત કરી. ત્યારે સ્કૂલ કેમ્પસમાંથી બહાર આવી વિદ્યાર્થિનીએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા કહી રહી હતી. તે જ સમયે એક શિક્ષક તેને ખેંચીને કેમ્પસમાં લઈ ગયા હતા. વિદ્યાર્થીઓએ અગાઉ તેમના પ્રિન્સિપાલને લેખિતમાં જાણ કરી હતી. જે અરજી તેમના વાલીઓને આપવામાં આવે જે મીડિયા સમક્ષ વાલીઓ બતાવી રહ્યા છે.ગરીબ આદિવાસી બાળકોનું શિક્ષણ સ્તર ઉપર આવે તેને લઇ સરકાર કરોડોનો ખર્ચ કરે છે. ત્યારે તેમના હક્કને છીનવતા સંચાલકો સામે પગલાં ભરાય તેવી માંગ વાલીઓ અને વિદ્યાર્થિનીઓ કરી રહી છે. જોવાનું એ છે કે આ અહેવાલ બાદ સંચાલકો સામે શું પગલા લેવાય છે.








