સુરતની શાળામાં ACમાં ધડાકા સાથે લાગી આગ, વાલીઓના જીવ તાળવે ચોંટતા વિદ્યાર્થીઓને લેવા દોડી આવ્યા
સુરતમાં આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અશ્વિનીકુમાર રોડ પર આવેલી સરસ્વતી વિદ્યાલયમાં એસીમાં ધડાકા સાથે આગ લાગી

સુરતમાં આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અશ્વિનીકુમાર રોડ પર આવેલી સરસ્વતી વિદ્યાલયમાં એસીમાં ધડાકા સાથે આગ લાગી ગઈ હતી. જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ત્યારબાદ સ્કૂલમાં તાત્કાલિક બાળકોને રજા આપી દેવામાં આવી હતી. આ સાથે જ વાલીઓ બાળકો સહી સલામત છે કે નહીં તે જોવા માટે સ્કૂલે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબુ મેળવી લીધો હતો. હાલ આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી.
લાયબ્રેરીના એસીમાં આગ
અશ્વિનીકુમાર રોડ પર ગૌશાળા સર્કલ પાસે આવેલી સરસ્વતી વિદ્યાલયમાં સવારે 9.21 કલાકે લાયબ્રેરીમાં એસીમા બ્લાસ્ટ બાદ આગ લાગી ગઈ હતી. આગની જાણ થતા આજે સ્કૂલમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. આસપાસના ક્લાસરૂમમાં રહેલા તમામ બાળકોને તાત્કાલિક નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. આ સાથે જ ફાયર વિભાગને પણ જાણ કરી દેવામાં આવી હતી અને સ્કૂલમાં રહેલી ફાયર સેફટી દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા.ઘાંસીશેરી કતારગામ અને કાપોદ્રાની ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
વાલીઓ શાળા પર દોડી આવ્યા
સ્કૂલમાં આગ લાગી હોવાની જાણ થતા વિદ્યાર્થીઓમાં પણ થોડોક ડરનો માહોલ જોવા મળ્યો હતો. સ્કૂલે દોડી આવેલા વાલીઓમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક બાળકો વાલીઓને ભેટીને રડી પણ પડ્યા હતા. જોકે આગ લાયબ્રેરીમાં લાગી હોવાથી સ્કૂલના બાળકોને કોઈપણ પ્રકારની અસર થઈ નથી. જ્યારે લાયબ્રેરીમાં થોડું નુકસાન થયું છે. વાલીઓ પણ પોતાના બાળકોને સુરક્ષિત જોઈને રાહતનો શ્વાસ લીધો હતો.
લાયબ્રેરી બંધ હતી
સરસ્વતી વિદ્યાલય ની લાયબ્રેરી બંધ હાલતમાં હતી. આજે નવા લાયબ્રેરીયન આવતા તેમને બતાવવા માટે લાયબ્રેરી ખોલીને એસીની સ્વીચ શરૂ કરતાં જ ધડાકા સાથે આગ લાગી ગઈ હતી. સ્કૂલમાં રહેલા એન્સ્ટિગ્યુસરથી આ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે ફાયર વિભાગને પણ જાણ કરી હતી. ફાયર વિભાગે સ્કૂલમાં રહેલી ફાયર સેફ્ટીની પણ તપાસ કરી હતી. જેમાં ફાયર સેફ્ટી ચાલુ હોવાનું સામે આવ્યું હતું. જોકે તપાસ ચાલુ હોવાથી આજે સ્કૂલ બંધ રહેશે અને તપાસ પૂર્ણ થયા બાદ વધુ નિર્ણય લેવાશે.








