₹519 કરોડનું પોલિટિકલ ડોનેશન કૌભાંડ: 'સ્વતંત્રતા પાર્ટી'ના અધ્યક્ષના આગોતરા જામીન નામંજૂર

દેશના અમીરોને ટેક્ષમાં ચોરી કરાવવાનો માર્ગ મોકળો કરી આપવા માટે સ્વતંત્રતા અભિવ્યક્તિ રાજકીય પાર્ટી ઊભી કરી દાન પેટે રૂ.519 કરોડ ઉઘરાવી દેશના અર્થતંત્રને રૂ.155 કરોડનું મસમોટુ નુકશાન કરવાના કૌભાંડમાં પાર્ટી અધ્યક્ષ સુરેન્દ્ર પરસોતમપ્રકાશ તિવારીની આગોતરા જામીન અરજી અમદાવાદના સેશન્સ જજ વી.એ.ધાધલે ફગાવી દીધી છે.
₹519 કરોડનું પોલિટિકલ ડોનેશન કૌભાંડ
કોર્ટે આરોપીની આગોતરા જામીન અરજી ફગાવતા અવલોકન કર્યુ હતું કે, આરોપી અને સહઆરોપીઓએ ભેગા મળીને દેશના અર્થતંત્રને મોટું નુકશાન પહોંચાડયુ છે. આરોપીએ રાજકીય પાર્ટી બનાવી જુદા જુદા લોકો પાસેથી ઓનલાઇન ડોનેશન મેળવી તે રકમમાંથી પોતાના કમિશનની રકમ કાપી બાકીની રકમ રોકડમાં જે તે દાન કરનાર વ્યક્તિને પરત કરી છે અને તે રકમ ઇન્કમટેક્ષમાંથી 100 ટકા બાદ મળે તેવું કૃત્ય કરેલું છે. આરોપી સામે ગંભીર પ્રકારનો આર્થિક ગુનો છે. આરોપીએ દેશના અર્થતંત્રને ખુબ મોટું નુકશાન કરેલું છે.
અર્થતંત્રને નુકસાન પહોંચાડનાર 'સ્વતંત્રતા પાર્ટી'ના અધ્યક્ષની આગોતરા જામીન નામંજૂર
કોર્ટે વધુમાં નોંધ્યું હતું કે, જયારે દેશની ઇકોનોમી સાથે કોઇ વ્યક્તિ છેડછાડ કરે તો તે ગંભીર બાબત છે. અને આવા સિન્ડીકેટમાં કયા કયા લોકો સંડોવાયેલા છે તેના સુધી પહોંચવા માટે આરોપીની પૂછપરછ ખુબ મહત્ત્વની છે. આરોપીને આ ગુનામાં ખોટી રીતે સંડોવી દીધેલ હોય તેવું આ તબક્કે જણાઇ આવતું નથી. કારણ કે, આરોપીના ખાતામાં જે મોટા પ્રમાણમાં ડોનેશનની રકમ આવેલી છે એ સૂચવે છે કે આરોપીએ ટેક્ષ ચોરીમાં લોકોને મદદ કરવા માટે રાજકીય પાર્ટી બનાવી અને તેના મારફત ડોનેશન લીધા છે.
આ રાજકીય પાર્ટીનું જમીન ઉપર કોઇ અસ્તીત્વ હોય તેવું જણાઇ આવતું નથી. એટલે કે, રાજકીય પાર્ટી નેશનલ લેવલની રાજકીય પાર્ટી નથી. તેથી સ્વાભાવિક છે કે, કોઇપણ વ્યક્તિ આ રાજકીય પાર્ટીને આટલા મોટા ડોનેશનની રકમ આપે નહીં. જયારે કોઇ રાષ્ટ્રીય કક્ષાની રાજકીય પાર્ટી હોય તો તેને પણ આટલી મોટી ડોનેશનની રકમ પ્રાપ્ત થતી નથી. આથી આરોપીને આગોતરા જામીન પર મુકત કરવો ન્યાયોચિત જણાતું નથી.
સ્વતંત્રતા અભિવ્યક્તિ રાજકીય પાર્ટીના ઓથા હેઠળ લોકો પાસેથી રૂ.519 કરોડનું દાન મેળવી રૂ.155 કરોડ ટેક્ષની ચોરી કરવાના કૌભાંડમાં પાર્ટી અધ્યક્ષ સુરેન્દ્ર તિવારીએ આગોતરા જામીન અરજી કરી હતી. જે અરજીનો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ સુધિર બ્રહ્મભટ્ટે રજૂઆત કરી હતી કે, આરોપીએ રાજકીય પાર્ટીના ઓથા હેઠળ ડોનેશન પેટે નાણાં મેળવી ટેક્ષ પેયરોને ટેક્ષમાંથી મુક્તિ મળે તે હેતુથી પહોંચો આપી હતી. અને દાન પેટે મેળવેલા નાણાં આરોપીએ તેના મળતીયાઓના ખાતામાં નાખી કેશથી હવાલા મારફતે નાણાં પાછા મેળવી મોટું કમિશન મેળવી ટેક્ષ પેયરોને ટેક્ષમાંથી મુક્તિ અપાવવાનું કૌભાંડ કર્યુ છે. આરોપીએ રૂ.519 કરોડ વર્ષ 2023થી વર્ષ 2025 સુધી નાણાંકીય વર્ષ મુજબ મેળવી સરકારને ખુબ જ આર્થિક નુકશાન કર્યું છે. આથી આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી દેવી જોઇએ.















