અમદાવાદ / કુખ્યાત અલ્તાફ બાસી અને તેના બે ભત્રીજા વિરુદ્ધ પોલીસે નોંધ્યો વધુ એક ગુનો
અમદાવાદ શહેરના સરસરપુર વિસ્તારમાં આવેલા ચારતોડા કબ્રસ્તાનમાં રહેતા પરિવારના ઘરમાં ઘુસી

અમદાવાદ શહેરના સરસરપુર વિસ્તારમાં આવેલા ચારતોડા કબ્રસ્તાનમાં રહેતા પરિવારના ઘરમાં ઘુસી તોડફોડ કરી અને ઘર ખાલી કરવાની ધમકી આપવાના કેસમાં કુખ્યાત અલ્તાફ બાસી અને તેના બે ભત્રીજા વિરુદ્ધ ગોમતીપુર પોલીસે વધુ એક ગુનો નોંધ્યો છે. પોલીસે આ 3 વિરુદ્ધ IPC 384,427,452,294(b),506(2),114 કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
શું બની હતી ઘટના?
ફેબ્રુઆરી મહિનામાં અલ્તાફ બાસી અને તેના બે ભત્રીજાએ ચારતોડા કબ્રસ્તાનમાં એક ઘરમાં રહેતા 50 વર્ષીય ઝરીનાબાનુ પઠાણના ઘરમાં રહેલો સામાન તોડફોડ કરીને બહાર ફેંકી દીધો હતો તથા મકાન ખાલી કરી દેવાની ધમકી આપી હતી. આ મામલે ગોમતીપુર પોલીસે ત્રણ મહિના બાદ બનાવ સંદર્ભે ફરિયાદ નોંધીને અલ્તાફ ઉર્ફે બાસી પઠાણ, અલ્તાફ બાસીનો ભત્રીજો ફરીદન ખાન પઠાણ તથા બીજો ભત્રીજો આસિફ ઉર્ફે બેટરી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. અલ્તાફ બાસીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સુરત ખાતેથી ધરપકડ કરી છે.
કોમી રમખાણો બાદ ઝરીનાબાનુના સસરાને મળ્યું હતું ઘર
ગોમતીપુર હાથીખાઈ પાસે આવેલા મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનમાં રહેતા ઝરીનાબાનુ પઠાણ નામની વૃદ્ધ મહિલાના સસરા નાસરીખાન પઠાણને ચારતોડા કબ્રસ્તાનનું મકાન કોમી રમખાણો બાદ અહેમદાબાદ સુન્ની મુસ્લિમ વકફ બોર્ડ દ્વારા રહેવા માટે ભાડેથી આપ્યું હતું. ત્યારથી મહિલા અને તેનો પરિવાર ચારતોડા કબ્રસ્તાનમાં રહેતા હતા.
કબ્રસ્તાનની સફાઈ કરવાની જવાબદારી અલ્તાફ બાસીને અપાઈ
છેલ્લાં ઘણા સમયથી ચારતોડા કબ્રસ્તાનમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને દુર કરવા માટે થઈને સફાઈ અભિયાન કમિટી બનાવવામાં આવી હતી, જેના પ્રમુખ તરીકે અલ્તાફખાન ઉર્ફે બાસી પઠાણની નિમણુક કરવામાં આવી હતી. જેના લીધે અલ્તાફ બાસી તેની ગેંગના માણસોને લઈને અવારનવાર ચારતોડા કબ્રસ્તાનમાં આવતો હતો અને ત્યાં રહેતા લોકોને મકાન ખાલી કરી દેવાની ધમકી આપીને માર મારતો હતો.
અલ્તાફ બાસી ગેંગ વિરુદ્ધ ચાર ગુના નોંધાયા
અલ્તાફ બાસી સહિત તેની ગેંગ વિરુદ્ધ અત્યાર સુધીમાં અઢળક ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. તાજેતરમાં જો વાત કરવામાં આવે તો છેલ્લા એક મહિનામાં ચાર ગુના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યા છે. અલ્તાફ બાસી અને તેના બે ભત્રીજાઓ દ્વારા ચારતોડા કબ્રસ્તાનમાં રહેતા લોકોને બળજબરી પૂર્વક ઘર ખાલી કરાવવા માટેની ધમકી આપીને તે લોકોને માર મારવાનો ગુનો નોંધાવામાં આવ્યો છે.








