Dholka news: ધોળકામાં બર્થ-ડે પાર્ટીની આડમાં ચાલતી 'દારૂની મહેફિલ' પર પોલીસ ત્રાટકી, 10 શખ્સો ઝડપાયા

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અવારનવાર દારૂની મહેફિલો ઝડપાતી હોય છે. આવો જ એક બનાવ ધોળકામાં સામે આવ્યો છે, જ્યાં જન્મદિવસની ઉજવણીના નામે ફાર્મ હાઉસમાં ચાલી રહેલી હાઈ-પ્રોફાઈલ દારૂની પાર્ટી પર પોલીસે દરોડો પાડ્યો હતો. ધોળકા ડિવિઝનના ડીવાયએસપીને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવતા કુલ 10 શખ્સોને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.
ઝડપાયેલા આરોપીઓના નામ
કાસમભાઈ અબ્દુલગફુર રાધનપુરી (ફાર્મ હાઉસ માલિક, રહે. ધોળકા)
સામતસિંહ છત્રસિંહ બારડ (જેનો જન્મદિવસ હતો, રહે. વેજલકા)
મોન્ટુભાઈ હરજીભાઈ ઠાકોર (રહે. ધોળકા)
અલ્પેશભાઈ હરીભાઈ રાઠોડ (રહે. વેજલકા)
નિલેશભાઈ પ્રવિણભાઈ રાણા (રહે. ધોળકા)
રાજેન્દ્રકુમાર નારૂભાઈ ચૌહાણ (રહે. ભુંભલી)
રાજેન્દ્રભાઈ વાઘજીભાઈ રાઠોડ (રહે. વેજલકા)
જયેન્દ્રસિંહ રાયસંગભાઈ પઢીયાર (રહે. વેજલકા)
પ્રદીપસિંહ પ્રવિણસિહ વાઘેલા (રહે. ધોળકા)
ફિરોજભાઈ ગફુરભાઈ વ્હોરા (રહે. ધોળકા)
12.47 લાખનો મુદ્દામાલ કબ્જે
પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો છે. જેમાં 95 બિયરના ટીન (કિંમત રૂ. 19,000) અને અલગ-અલગ બ્રાન્ડની 7 બોટલો (કિંમત રૂ. 8,400) મળી આવી હતી. આ ઉપરાંત આરોપીઓ પાસેથી એક ટાટા હેરીયર ગાડી (નં. GJ-38-BH-333) અને 4 મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 12,47,400 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
બુટલેગરની શોધખોળ શરૂ
ધોળકા પોલીસે તમામ 10 આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, પાર્ટી માટે દારૂનો જથ્થો કોણે પૂરો પાડ્યો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
જન્મદિવસની ઉજવણીમાં જામ્યો હતો દારૂનો દોર
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વેજલકા ગામના સામતસિંહ છત્રસિંહ બારડનો જન્મદિવસ હોવાથી ધોળકાના ડડુસર રોડ પર આવેલા કાસમભાઈ અબ્દુલગફુર રાધનપુરીના ફાર્મ હાઉસમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં પરપ્રાંતિય વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મંગાવીને પાસ-પરમિટ વગર મહેફિલ માણવામાં આવી રહી હતી.
બર્થ-ડે બોય સહિત 10 શખ્સોને રંગેહાથ ઝડપાયા
ધોળકા ડિવિઝનના DySP પ્રકાશ પ્રજાપતિને આ અંગે ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે પોલીસે મોડી રાત્રે ફાર્મ હાઉસ પર ઓચિંતો દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈને પાર્ટીમાં નાસભાગ મચી ગઈ હતી, પરંતુ પોલીસે કોર્ડન કરી ફાર્મ હાઉસ માલિક અને બર્થ-ડે બોય સહિત 10 શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા.

