ANAND : વઘાસી ગામમાં પુરુષની હત્યાનો ભેદ ઉકેલાયો, જાણો કોણે અને શા માટે હત્યા કરી
Anand News : આણંદ તાલુકાના વઘાસી ગામના સવશાંતિ વન્ડરલેન્ડ પાર્ટી પ્લોટના ગેટ પાસેથી ગઈકાલે સ

Anand News : આણંદ તાલુકાના વઘાસી ગામના સવશાંતિ વન્ડરલેન્ડ પાર્ટી પ્લોટના ગેટ પાસેથી ગઈકાલે સવારે તીક્ષ્ણ હથિયારના ઘા મારી બેડવાના આધેડની હત્યા કરવામાં આવી હતી. આણંદ ગ્રામ્ય પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યા નો ભેદ ઉકેલી નાખ્યો છે. પ્રેમ પ્રકરણમાં આ હત્યા થઇ છે. યુવતીના નવા પ્રેમી જાવેદ મલેકે જુના પ્રેમી એવા અરવિંદ પટેલને ચર્ચા કરવાના બહાને ઘરેથી એક્ટીવા ઉપર બેસાડીને લઈ ગયા બાદ ચપ્પાના ઘા મારીને હત્યા કરી નાંખી હતી.
બે દીવસ પહેલા સવારના પોણા આઠેક વાગ્યાના સુમારે બેડવા ગામના અરવિંદભાઈ મગનભાઈ પટેલની ગળા, બન્ને કાન ઉપરના ભાગે, ડાબા જડબા ઉપર,ડાબા હાથના બાવડા ઉપર તેમજ જમણી બાજુ કાન નીચે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને કરપીણ રીતે હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આણંદ રૂરલ પોલીસે આ અંગે મરણ જનાર અરવિંદભાઈના ભત્રીજા પીન્કેશની ફરિયાદને આધારે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે બેડવા ગામથી લઈને છેક વઘાસી સવશાંતિ વન્ડરલેન્ડ પાર્ટી પ્લોટ સુધીના સીસીટીવી ફુટેજ તપાસ્યા હતા. જેમાં એક એક્ટીવા ચાલક અરવિંદભાઈને બેસાડીને જતો જણાઈ આવ્યો હતો.
સીસીટીવી ફૂટેજ આધારે પોલીસે આ શખ્સ કોણ અને ક્યાંનો છે તે દિશામાં તપાસ હાથ ઘરી હતી. દરમ્યાન મરણ જનાર અરવિંદભાઈના મોબાઈલ ફોનની તપાસ કરતા રાત્રી દરમ્યાન એક નંબર ઉપર અવાર-નવાર કોલ થયેલા મળી આવ્યા હતા. જેથી તે નંબરની ખરાઈ કરતા તે બોરીયાવી ગામે રહેતી એક 32 વર્ષીય ત્યક્તાનો હોવાનું ખુલવા પામ્યું હતુ.
પોલીસે તેની પુછપરછ કરતા ગઈકાલે રાત્રીના સુમારે તેના ઘરે કણજરી ખાતે રહેતો પ્રેમી જાવેદ મહંમદભાઈ મલેક આવ્યો હતો અને તેણે યુવતીના નંબર ઉપરથી અરવિંદભાઈને ફોન કર્યાનું જણાવ્યું હતુ. પોલીસે જાવેદની શોધખોળ હાથ ઘરીને તેને ઝડપી પાડયો હતો. અને આણંદ રૂરલ પોલીસ મથકે લાવીને તેની આકરી પુછપરછ કરતા તેણે હત્યા કર્યાની કબુલાત કરી હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર બે સંતાનોની માતા એવી 32 વર્ષીય ત્યક્તાના લગ્ન સારસા ખાતે થયા હતા. પરંતુ તેણીને પતિએ કાઢી મુકતા તે છેલ્લા ચાર-પાંચ વર્ષથી અરવિંદભાઈના સંપર્કમાં આવી હતી અને બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો જેને લઈને અરવિંદભાઈએ તેના ઘરનું પણ પુરુ કરતો હતો અને તેણીને એક્ટીવા પણ લઈ આપ્યું હતુ. ઘર ચલાવવા પૈસા સહિત તમામ જરૂરિયાતો અરવિંદભાઈ પુરી કરતા હતા.
દરમ્યાન છેલ્લા છએક મહિનાથી ત્યક્તાના સંબંધો કણજરીના જાવેદ મલેક સાથે બંધાયા હતા જેની જાણ અરવિંદભાઈને થતાં તેઓએ ત્યક્તાને આ સંબંધો ઉપર પૂર્ણવિરામ મુકી દેવાનું જણાવ્યું હતુ. પરંતુ સંબંધો ચાલુ જ રહેવા પામ્યા હતા. ગઈકાલે જાવેદનો જન્મદિવસ હોય તે ત્યક્તાના ઘરે ગયો હતો.
દરમ્યાન અરવિંદભાઈ વારેઘડીએ ત્યક્તાને ફોન કરતા હોય, જાવેદ ઉશ્કેરાયો હતો અને તેણે ત્યક્તાના ફોનથી અરવિંદભાઈને ફોન કરીને આજે આ બાબતે ચર્ચા કરીને નિવેડો લાવી લઈએ તેમ જણાવ્યું હતુ અને એક્ટીવા લઈને બેડવા ગામે અરવિંદભાઈ પટેલના ઘરે પહોંચી ગયો હતો અને સવારના ચારેક વાગ્યાના સુમારે અરવિંદભાઈને એક્ટીવા ઉપર બેસાડીને વઘાસી ગામની સીમમાં આવેલી સવશાંતિ વન્ડરલેન્ડ પાર્ટી પ્લોટ પાસે લઈ ગયો હતો. જ્યાં બન્ને વચ્ચે ઉક્ત મુદ્દે વાતચીતો થતાં ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલા જાવેદે પોતાની પાસેનુ ચપ્પુ કાઢ્યું હતુ અને ઉપરાછાપરી ચપ્પાના ઘા મારીન હત્યા કરી ત્યાંથી એક્ટીવા લઈને ફરાર થઈ ગયો હતો. આ કબુલાતના આધારે પોલીસે જાવેદ મલેકની ધરપકડ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ઘરી છે.








