મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ ગુનો વડોદરામાં, ધરપકડ UP, MP, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી: પોલીસે ખાસ ડ્રાઇવ યોજી, 40 ફરાર આરોપીઓ ઝડપાયા

વડોદરા શહેર પોલીસ દ્વારા ગુનાઓ આચરીને રાજ્ય બહાર નાસી છૂટેલા અને વર્ષોથી ફરાર આરોપીઓને પકડવા માટે

વડોદરા શહેર પોલીસ દ્વારા ગુનાઓ આચરીને રાજ્ય બહાર નાસી છૂટેલા અને વર્ષોથી ફરાર આરોપીઓને પકડવા માટે એક ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા પોલીસે આ ઓપરેશનને 'ઓપરેશન કારાવાસ' નામ આપ્યું છે, જે હેઠળ ચાર રાજ્યોના કુલ 650 ગુનેગારોને શોધવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

9 વર્ષથી ફરાર આરોપીઓ માટે વિશેષ ડ્રાઇવ

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વીતેલા 9 વર્ષો દરમિયાન વડોદરા શહેરમાં ગુનાઓ આચરીને ફરાર થઈ ગયેલા આરોપીઓને પકડવા માટે આ ખાસ ડ્રાઇવનું આયોજન કરાયું હતું. શહેર પોલીસે જુદી-જુદી ટીમો બનાવીને ગુજરાતની બહારનાં રાજ્યોમાં તપાસ શરૂ કરી હતી.

ચાર રાજ્યોમાંથી આરોપીઓ ઝડપાયા

આ ઓપરેશન અંતર્ગત વડોદરા પોલીસની ટીમોએ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ (MP), રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ (UP) જેવા રાજ્યોમાં તપાસ ચલાવી હતી અને નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

20 દિવસમાં 40 જેટલા કેસનો ભેદ ઉકેલાયો

'ઓપરેશન કારાવાસ'ના પ્રથમ રાઉન્ડમાં પોલીસે માત્ર 20 દિવસના સમયગાળામાં જ નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે.  40 જેટલા આરોપીઓને શોધી કાઢવામાં આવ્યા. ઝડપાયેલા આરોપીઓ માંથી 31 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જયારે અન્ય 8 જેટલા આરોપીઓ મૃત્યુ પામ્યા હતા. જ્યારે 1 આરોપી જેલમાં હોવાનું જાણવા મળ્યું.

આ ડ્રાઇવના કારણે વડોદરા શહેરના 40 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો. પોલીસે ચોરી થયેલા 21 જેટલા મોબાઈલો પણ શોધી કાઢ્યા છે. આ સફળતા બદલ વડોદરા પોલીસની ટીમને અભિનંદન આપવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો