દર મહિને રૂ.91,500 વ્યાજ! કેશોદમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને આઇજી ઓફિસ બહાર કર્યો આપઘાતનો પ્રયાસ
Junagadh News : જુનાગઢના કેશોદમાં એક વેપારી યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આઇજી ઓફિસ બહાર

Junagadh News : જુનાગઢના કેશોદમાં એક વેપારી યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આઇજી ઓફિસ બહાર આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ ઘટનામાં ચોંકવનારી વાત એ છે કે આ યુવાન 6 વ્યાજખોરોને મહિને રૂ.91,500નું વ્યાજ ચૂકવતો હતો, છતાં વ્યાજખોરો ઉઘરાણી કરીને આ યુવાનને હેરાન કરી રહ્યા હતા.
6 વ્યાજખોરોને દર મહિને ભરતો હતો રૂ.91,500નું વ્યાજ
આ અંગે મળતી માહિતી અનુસાર કેશોદના વેપારી યુવાન રાકેશ જમનભાઈ વણપરીયાએ ધંધામાં નુકસાની આવતાં 6 શખ્સો પાસે 16,65,000 જેવી રકમ વ્યાજે લીધી હતી. આ 6 વ્યાજખોરોને દર મહિને રૂ.91,500નું વ્યાજ ભરતો હતો. છેલ્લાં થોડા મહિનાઓમાં વ્યાજ ન ભરી શકતાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી.
આઈજી ઓફિસની બહાર ફીનાઇલ પીધી
રવિ નામના વ્યાજખોરે ઢીકા પાટુનો માર મારી દુકાન હડપ કરતા વેપારી યુવાન આઇજી ઓફિસે ફરિયાદ કરવા પહોંચ્યો હતો. આઈજી હાજર ન હોવાથી લાગી આવતા આઇજી ઓફિસની બહાર નીકળી વેપારી યુવાને ફિનાઈલ ગટગટાવી લીધી હતી. આ યુવાનને તાત્કાલિક સારવાર માટે ખસેડાવમાં આવ્યો હતો.
6 વ્યાજખોરો સામે નોંધાઈ ફરિયાદ
પોલીસે વેપારી યુવાન રાકેશ જમનભાઈ વણપરીયાની ફરિયાદ આધારે પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો સમીર પોપટ, કિનલ કુંભાણી, કમલેશ કચોટ, એ.બી. સોલંકી, રાકેશ ગજેરા, રવિ વણપરીયા વિરુદ્ધ વ્યાજ વટાવની જુદી જુદી કલમ હેઠળ ગુન્હોં નોંધી તપાસ હાથ ધરી છે.








