અમદાવાદ પ્લેન ક્રેશ: બહેનનો પાર્થિવ દેહ મળતા જ સિવિલ હોસ્પિટલમાં સર્જાયા ભાવુક દ્રશ્યો, પરિવારજનોએ માન્યો પોલીસનો આભાર
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતકોના DNA સેમ્પલ મેચ થતા પાર્થિવ શરીર પરિવારજનોન

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતકોના DNA સેમ્પલ મેચ થતા પાર્થિવ શરીર પરિવારજનોને સોંપવાની કાર્યવાહી ચાલુ છે.અમદાવાદ પ્લેન ક્રેશમાં વધુ 231 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા છે જ્યારે 210ના મૃતદેહ તેમના સ્વજનોને સોપવામાં આવ્યા છે. DNA સેમ્પલ મેચિંગની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોવાથી અને કાયદાકીય બાબતો પણ સંકળાયેલી હોવાથી આ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન, વહીવટી તંત્ર સહિતનો સ્ટાફ ખડેપગે ફરજ બજાવી રહ્યો છે.
સુરતના દંપત્તિનો પાર્થિવ દેહ પરિવારનો સોંપાયો
આ ઘટનામાં ઘણા ફેમિલીના બે અથવા વધારે સભ્યોના મૃત્યુ થયેલા હોય, તેઓના DNA વારા ફરતી આવતા હોય, સગા સંબંધીઓને અંતિમ વિધિ એક કરતા વધારે વખત કરવાની પરિસ્થિતિ ઉપસ્થિત થાય ત્યારે સગાંસંબંધીઓ વિમાસણમાં પડી જાય છે. સુરત જિલ્લાના કામરેજ, ઊંભેલ ખાતે રહેતા રીંકેશ પટેલ અને કેનીલ પટેલના બહેન વિભૂતિબેન અતુલકુમાર પટેલ (ઉ.વ.25) અને બનેવી હાર્દિક દેવરાજભાઈ અવૈયા પટેલ (ઉ.વ.27) ગઢપુર ટાઉનશિપ, કઠોદરા, સુરતનું પણ એર ઈન્ડિયાની ફલાઇટમાં સફર કરતા અકસ્માતમાં મરણ થયું હતું. હાર્દિક દેવરાજભાઇ અવૈયા પટેલના DNA પહેલા મેચ થતા તેમના ભાઇ રાજેશભાઇ અવૈયાને પાર્થિવ શરીર સોંપવા જણાવવામાં આવ્યું હતું. એક જ કુટુંબમાં બે મરણ થયેલ હોય અલગ અલગ વિધિ કરવાની જગ્યાએ બન્નેના પાર્થિવ શરીર સાથે મળે તો એક સાથે અંતિમ વિધિ થઇ શકે તે હેતુથી રાહ જોઇ હતી પરંતુ થાકીને બનેવીના અંતિમ સંસ્કાર કરી બહેનની ડેડબોડી માટે અલગ અલગ જગ્યાએ રજૂઆત કરતા કોઇએ ધ્યાન આપ્યું નહતું.
તે બાદ વિભૂતિબેનના ભાઇ કેનિલ પટેલ અને રીંકેશ પટેલ ચિંતાતુર હૃદયે બંદોબસ્તમાં રહેલ DCP પ્રદીપસિંહ જાડેજાને મળતા DCP જાડેજા, ACP કૃણાલ દેસાઈ તથા શાહીબાગ PI જે.ડી.ઝાલા, તપાસ કરનાર નરોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર પી.વી. ગોહિલ, PSI ભરતસિંહ રાઠોડ તથા સ્ટાફ દ્વારા પરિવારજનોને સાંત્વના આપી, FSL DNAએ રિપોર્ટ આવતા વાર લાગતી હોય, જે ટેકનિકલ બાબત હોય, જ્યારે DNA મેચ થઇને આવશે, ત્યારે તરત જ પરિવારજનોને જાણ કરવામાં આવશે અને ડેડબોડી સોંપવાની વ્યવસ્થા કરવા પ્રયત્નો કરવા સમજણ આપી હતી. તે બાદ DNA રિપોર્ટ મેચ થઇ આવી જતા તેઓને જાણ કરી બેનના પાર્થિવ શરીર મળે તે માટે પોલીસ દ્વારા હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરી, ડેડબોડી સોંપવા વ્યવસ્થા કરી આપતા, બેનના પાર્થિવ શરીર અમદાવાદ શહેર પોલીસ તથા વહીવટી તંત્રની સંકલિત કામગીરીના કારણે મળતા, મરણ જનાર વિભૂતિબેન પટેલના પરિવારજનો દ્વારા કપરી પરિસ્થિતિમાં અમદાવાદ શહેર પોલીસની સંવેદનશીલ કામગીરીના ભરપૂર વખાણ કરી, ભાવ વિભોર થયા હતા અને અમદાવાદ શહેર પોલીસનો આભાર માન્યો હતો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના PM રૂમ ખાતે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા.અંતિમ વિધિ પત્યા બાદ પણ વિભૂતિબેન પટેલના ભાઈ દ્વારા DCP પ્રદીપસિંહ જાડેજાને ટેલિફોન કરીને પોતાના બહેનની અંતિમ વિધિ પૂરી થઈ ગયા હોવાની જાણ કરેલ અને પોલીસ આવી પણ હોય છે, એનો એહસાસ થયો હતો તેમજ ફરીથી આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.








