દર્દીઓની સહાય માટેની PMJAY યોજના ગુજરાતની હોસ્પિટલો માટે કમાણીનું સાધન
ગરીબ-મધ્યમ વર્ગના દર્દીઓને મફત સારવાર મળી રહે તે માટે ઉપયોગી એવી પ્રધાનમંત્રી

ગરીબ-મધ્યમ વર્ગના દર્દીઓને મફત સારવાર મળી રહે તે માટે ઉપયોગી એવી પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના (PMJAY) યોજના હોસ્પિટલો માટે જાણે કમાણીનું સાધન બની રહી છે. વર્ષ 2023માં કેગ દ્વારા ઓડિટ રિપોર્ટમાં ગુજરાતમાં હોસ્પિટલોમાં ચાલતી ગેરરીતીઓનો ખુલાસો થયો હતો.
મહત્ત્વની વાત એ છે કે, વ્યાપકપણે ગેરરીતીઓ થઇ હોવા છતાંય રાજ્ય આરોગ્ય વિભાગે ધડો લીધો નહીં. કેગના રિપોર્ટમાં એવી ચોંકાવનારી વાત બહાર આવી છે કે, હોસ્પિટલોમાં બેડની સંખ્યા કરતાં વધુ દર્દીઓની સારવાર લીધી હતી. સારવારના નામે હોસ્પિટલમાં સંચાલકોએ સરકાર પાસેથી લાખો કરોડો સેરવી લીધા હતાં
કેગના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
PMJAY યોજના હેઠળ મફત સારવાર કરવામાં આવે છે જેના કારણે ગરીબ દર્દીઓ સારવારને લઇને કોઇ પૃચ્છા જ કરતાં નથી જેનો હોસ્પિટલ સંચાલકો બેફામ દૂરઉપયોગ કરી રહ્યાં છે. વર્ષ 2023માં કેગનો રિપોર્ટ જાહેર થયો જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે, જાન્યુઆરી 2021થી માર્ચ 2021 દરમિયાન ગુજરાતની અલગ અલગ 50 હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી જેમાં એવી ગેરરીતી જોવા મલી કે, હોસ્પિટલોએ બેડની ક્ષમતા કરતાં વધુ દર્દીઓની સારવાર કરી છે. આ 50 હોસ્પિટલમાં કૂલ બેડની સંખ્યા 2552 છે. જેની સામે અલગ અલગ તારીખોમાં 5217 દર્દીઓએ સારવાર લીધી હતી. જેમ કે, સુરેન્દ્રનગરની મેડીકો મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલની 8મી માર્ચ 2021ના દિવસે 34 બેડની સામે 97 દર્દીઓ કાગળ પર સારવાર લઇ રહ્યા હતા. સારવારના નામે બધુય કાગળ પર જ હતું.
આ પણ વાંચો: રાજ્ય આરોગ્ય વિભાગ ઘોર નિદ્રામાં: ગુજરાતમાં મેડિકલ માફિયા બેફામ, હોસ્પિટલમાં દર્દીઓ 'ગ્રાહક' બન્યા
ગુજરાતમાં PMJAY યોજનામાં ગેરરીતી
ગુજરાતમાં PMJAY યોજનાના એવાં કેસ જોવા મળ્યાં જેમાં એવી ગેરરીતી સામે આવી છે, દર્દી એક જ સમયે જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ હોય. ગુજરાતમાં 21,514 દર્દીઓએ એક જ સમયે અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં હતા. આ પરથી એક વાત સ્પષ્ટ થઇ કે, સારવારના નામે બધુ ધુપ્પલ ચાલી રહ્યુ હતું.
કેગના રીપોર્ટ પ્રમાણે નવેમ્બર 2022 સુધીની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં કૂલ 3507.72 કરોડની સહાય ચુકવાઇ છે, જેમાં 14,12,311 કેસનો સમાવેશ થાય છે. આમ, ગેરરીતી છતાંય મળતિયા હોસ્પિટલ સંચાલકોને રાજ્ય આરોગ્ય વિભાગે કરોડો રૂપિયા ચૂકવી દીધા હતાં. જાણે PMJAY યોજના હોસ્પિટલ માટે કમાણીનું સાધન બની રહ્યુ છે તે વાત હવે સાબિત થઇ રહી છે.








