VIDEO: 'બધું કેમેરા સામે જ કર્યું, કોઈને પુરાવાની જરૂર ના પડી'; ઓપરેશન સિંદૂર મુદ્દે PM મોદીનું નિવેદન
પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી ભારતીય સેનાએ ગૌરવ વધાર્યું છે. ત્યારે આ ઓપરેશન સિંદુરની

પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી ભારતીય સેનાએ ગૌરવ વધાર્યું છે. ત્યારે આ ઓપરેશન સિંદુરની સફળતા બાદ પહેલી વખત ગાંધીનગર આવેલા વડાપ્રધાનને આવકારવા માટે ગાંધીનગરવાસીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ગાંધીનગરમાં રોડ શો યોજ્યા બાદ મહાત્મા મંદિરમાં ₹5,536 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. પીએમ મોદી ગુજરાત શહેરી વિકાસની 20મી વર્ષગાંઠના સમારોહમાં લોકોને સંબોધિત કરી રહ્યા છે.
આ વખતે પુરાવા આપવાની જરૂર નથી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, સેનાની કાર્યવાહીના પુરાવા માંગનારા વિરોધ પક્ષના નેતાઓ પર નિશાન સાધતા કહ્યું કે ''આ વખતે પુરાવા આપવા નહીં પડે, કારણ કે આ વખતે ઉપરવાળો પુરાવા આપી રહ્યો છે. હું 2 દિવસથી ગુજરાતમાં છું. ગઈકાલે હું વડોદરા, દાહોદ, ભુજ, અમદાવાદ ગયો અને આજે ગાંધીનગર આવ્યો છું. હું જ્યાં જ્યાં ગયો ત્યાં દેશભક્તિનો જુવાળ હોય તેવું લાગી રહ્યું હતું. ગર્જના કરતો સિંદૂરિયો સાગર અને લહેરાતો તિરંગો જન-જનના હૃદયમાં માતૃભૂમિ પ્રત્યે અપાર પ્રેમ દર્શાવતો હતો. આવો નજારો અને આવો દૃશ્ય હતું. આ માત્ર ગુજરાતમાં જ નહીં, હિન્દુસ્તાનના ખૂણેખૂણે ગૂંજે છે."
વધુમાં તેમણે કહ્યું કે "શરીર ભલે ગમે તેટલું સ્વસ્થ હોય, પણ જો એક કાંટો વાગે તો આખું શરીર પરેશાન થઈ જાય છે. અમે નક્કી કર્યું છે કે તે કાંટાને કાઢીને જ રહીશું."
પાકિસ્તાન સમજી ગયું છે કે તે ભારત સામે જીતી શકતું નથી
1947માં જ્યારે મા ભારતીના ટુકડા થયા, 'સાંકળો કપાવી જોઈતી હતી પણ ભુજાઓ કાપી નાખવામાં આવી'. દેશના 3 ટુકડા કરી દેવામાં આવ્યા. તે જ રાત્રે પહેલો આતંકવાદી હુમલો કાશ્મીરની ધરતી પર થયો. મા ભારતીનો એક ભાગ આતંકવાદીઓના દમ પર મુજાહિદ્દીનોના નામે પાકિસ્તાને હડપ કરી લીધો. જો તે જ દિવસે આ મુજાહિદ્દીનોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હોત, સરદાર પટેલની ઈચ્છા હતી કે જ્યાં સુધી PoK પાછું ન આવે ત્યાં સુધી સેના રોકાવી ન જોઈએ, પણ સરદાર સાહેબની વાત માનવામાં ન આવી.
આ મુજાહિદ્દીનો જે લોહી ચાખી ગયા હતા તે સિલસિલો 75 વર્ષથી ચાલ્યો આવે છે. પહેલગામમાં પણ તેનું જ વિકૃત રૂપ હતું. 75 વર્ષ સુધી આપણે સહન કરતા રહ્યા. પાકિસ્તાન સાથે જ્યારે યુદ્ધનો પ્રસંગ આવ્યો ત્યારે ત્રણેય વખત ભારતની સૈન્ય શક્તિએ પાકિસ્તાનને ધૂળ ચટાડી. પાકિસ્તાન સમજી ગયું છે કે તે ભારતથી જીતી શકતું નથી.
શહેરી વિકાસ વિભાગ હેઠળ 2700 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
PM નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ₹1006 કરોડના ખર્ચે તૈયાર થયેલા 22,000થી વધુ રહેણાંક એકમોનું લોકાર્પણ કર્યું હતું. સુરતના કાંકરા-ખાડીના કિનારે ₹145 કરોડના ખર્ચે પડતર જમીનનો કાયાકલ્પ કરીને બનેલા બાયોડાયવર્સિટી પાર્કનું પણ લોકાર્પણ કર્યું હતું. શહેરી વિકાસ વિભાગ હેઠળ કુલ ₹1,447 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં જામનગર, સુરત, અમદાવાદ, ગાંધીનગર અને જૂનાગઢ શહેરના વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. ₹1,347 કરોડના શહેરી વિકાસના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ ખાતે ₹1000 કરોડના ખર્ચે બનનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3ના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.
આરોગ્ય અને મહેસૂલ વિભાગના ₹672 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
ગાંધીનગર ખાતે ₹84 કરોડના ખર્ચે યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ અને અમદાવાદમાં ₹588 કરોડના ખર્ચે ઓપીડી સાથે 1800 બેડ ધરાવતા IPD જેમાં ચેપી રોગ માટે 500 બેડની સુવિધાનું નિર્માણ થઈ રહ્યું છે, જેનું તેઓ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 17 મ્યુનિસિપલ કોર્પોરેશનને ₹2731 કરોડ અને 149 મ્યુનિસિપાલિટીને ₹569 કરોડના ચેકનું વિતરણ પણ કરવામાં આવશે.








