“જામસાહેબની પાઘડી મારા માટે મોટો પ્રસાદ છે”, જામનગરમાં પીએમ મોદીએ ક્ષત્રિય સમાજના કર્યા વખાણ
PM MODI IN GUJARAT :વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે ગુજરાતની મુલાકાતે છે. ત્યારે તેમણે આજે આ

PM MODI IN GUJARAT :વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે ગુજરાતની મુલાકાતે છે. ત્યારે તેમણે આજે આણંદ, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં ચૂંટણી સભા યોજી હતી. ત્યારબાદ હવે તેઓ જામનગર પહોંચ્યા છે. અહીં વડાપ્રધાન મોદીએ ચૂંટણી સભાને સંબોધી હતી. જામનગરના ઉમેદવાર પૂનમબેન માડમ, પોરબંદરના ઉમેદવાર મનસુખ માંડવિયા અને વિધાનસભા પેટાચૂંટણીના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાના સમર્થનમાં જાહેર સભાનું આયોજન કરાયું છે.
જામ સાહેબની પાઘડી મારા માટે મોટો પ્રસાદ છે : વડાપ્રધાન મોદી
જામનગરમાં સભા પહેલા વડાપ્રધાન મોદીએ જામ સાહેબની મુલાકાત કરી હતી. આ દરમિયાન જામ સાહેબે વડાપ્રધાન મોદીને પાઘડી પહેરાવી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદી સભા સ્થળે પહોંચ્યા હતા. ત્યારે જામનગર ખાતે વડાપ્રધાન મોદીએ સંબોધનની શરૂઆતમાં જામ સાહેબ સાથેની મુલાકાત અંગે વાત કરતા કહ્યું કે, “બધાને થતું હશે કે નરેન્દ્રભાઈ પાઘડી પહેરીને કેમ આવ્યા. મુખ્યમંત્રી પાઘડી પહેરાવવા જતા હતા તો મેં કહ્યું કે, આ પાઘડી ઉતારાય એવું નથી. હું રસ્તામાં જામ સાહેબના દર્શન કરવા માટે ગયો હતો. જામ સાહેબ પાઘડી પહેરાવે પછી તો કાંઈ બાકી જ ના રહે. એટલે મારા માટે તો જામ સાહેબની પાઘડી મોટો પ્રસાદ છે.”
આ સાથે પીએમ મોદીએ તેઓ જયારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારના એક પ્રસંગનો ઉલ્લેખ કરતા ક્ષત્રિય સમાજના કર્યા હતા, તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનનારા રાજવીઓના મ્યુઝિયમનો ઉલ્લેખ કર્યો હતો.
ત્યારે મેં કહ્યું હતું કે, ક્ષત્રિય સમાજના બલિદાન સામે મારા મુખ્યમંત્રી પદની કોઈ કિંમત નથી : વડાપ્રધાન મોદી
આજે જામનગર આવ્યો છું ત્યારે અનેક જૂની વાતો તાજી થઈ છે. એકવાર મહત્વની ઘટના બની. ભૂચર મોરીની યુદ્ધની વાત. મને આપણા ક્ષત્રિય સમાજના આગેવાનો નિમંત્રણ આપવા આવ્યા. પછી મને કોઈએ કાનમાં કહ્યું, અમે સાહેબ નિમંત્રણ આપવા આવ્યા છીએ પણ તમે નહીં આવો પણ આતો અમારું કર્તવ્ય છે એટલે અમે આવ્યા છીએ. મે કહ્યું કેમ નહીં આવું. તો કહ્યું કે, કોઈ મુખ્યમંત્રી નથી આવ્યાં. અમે બધા મુખ્યમંત્રીને આમંત્રણ આપીને ટ્રાઈ કરી લીધી છે. ત્યાં એવી માન્યતા છે કે, જ્યા આટલા બધા પાળીયા હોય. પૂજાતા હોય પણ ગુજરાતના મુખ્યમંત્રીઓના કાનમાં કોઈએ ભેળવી દીધું છે કે તમે ભૂચરમોરીના સ્થાને જાવ એટલે તમારૂ મુખ્યમંત્રીનું પદ જતું રહે, એટલા માટે ત્યાં કોઈ મુખ્યમત્રી જતા ન હતા. ત્યારે મેં કહ્યું કે, મારા ક્ષત્રિય સમાજના આ બલિદાન સામે મારા મુખ્યમંત્રી પદની કોઈ કિંમત નથી. હું આવીશ જ. અને હું આવ્યો હતો અને ખુબ ઉલ્લાસથી તે કાર્યક્રમને મેં વધાવ્યો હતો. એટલે જામનગર સાથેની એવી અનેક યાદો સાથે હું આજે ફરી જામનગર આવ્યો છું.
જામનગરના મહારાજાએ પોલેન્ડના નાગરિકોને આશરો આપેલો : વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગુજરાતે હાલમાં દેશ માટે જેટલું યોગદાન આપ્યું છે, એટલું જ યોગદાન ભૂતકાળમાં પણ અપાયું છે. જામનગરના મહારાજા દિગ્વિજય સિંહજીએ બીજા વિશ્વ યુદ્ધના સમયે પોલેન્ડના નાગરિકોને અહીં આશરો આપ્યો હતો. આજે પણ જ્યારે પોલેન્ડની પાર્લામેન્ટ શરૂ થાય છે, તો સૌથી પહેલા જામનગરનું અને મહારાજા દિગ્વિજયસિંહજીનું સ્મરણ કરવામાં આવે છે, પછી પાર્લામેન્ટ શરૂ થાય છે.
વડાપ્રધાને કહ્યું કે, 'તેમણે (મહારાજા દિગ્વિજયસિંહજીએ) જે બીજ વાવ્યું, તેના કારણે આજે પણ પોલેન્ડ સાથે આપણા સંબંધો મજબૂત છે. જામ સાહેબના પરિવાર સાથે મારો જૂનો નાતો રહ્યો છે, તેમના આશીર્વાદ રહ્યા છે. આજે પણ અહીં આવતા સમયે, તેમના આશીર્વાદ લેવા ગયો અને જ્યારે જામ સાહેબ વિજયી ભવઃ કહે છે, ત્યારે વિજય નક્કી થઈ જાય છે.'
આપણા દેશના રાજા-મહારાજાઓના યોગદાનને ક્યારેય નહીં ભૂલી શકાય : વડાપ્રધાન મોદી
આપણા દેશના રાજા-મહારાજાઓએ અખંડ ભારત બનાવવા માટે પોતાની પેઢીઓ અને રાજ-પાઠ આપી દીધા હતા. તેમના યોગદાનને આ દેશ ક્યારે નહીં ભૂલી શકે.
કોંગ્રેસ પાર્ટી હાલ બે રણનીતિઓ પર ચૂંટણી લડી રહી છે : વડાપ્રધાન મોદી
કોંગ્રેસ પર પ્રહાર કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'કોંગ્રેસ પાર્ટી હાલ બે રણનીતિઓ પર ચૂંટણી લડી રહી છે. જાતિના નામ પર સમાજને વહેંચવો. તૃષ્ટીકરણ દ્વારા વોટ બેંકને એકજુટ કરવી. કોંગ્રેસ પાર્ટી એસસી-એસટી અને ઓબીસીના અનામતને છીનવીને ધર્મના આધાર પર અનામત આપવા માટે બંધારણને બદલવા અને મુસ્લિમોને અનામત આપવાની તૈયારી કરી રહ્યું છે. કુપ્રચારથી શરૂ થયેલી કોંગ્રેસની રણનીતિ આજે હતાશાથી ઘેરાઈ ચૂકી છે. એમની જે હતાશા પહેલા ગુજરાતને લઈને હતી, આજે કોંગ્રેસમાં દેશની પ્રગતિને લઈને પણ તે હતાશા છે, એજ નફરત નસેનસમાં ભરેલી પડી છે.'
એક જમાનો આવશે જ્યારે સેમિકન્ડક્ટર ગુજરાતમાં બનશે : વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'આવનારા દિવસો સ્વર્ણ અક્ષરે લખી રાખજો. વિમાન ગુજરાતમાં બનવાના, ઈલેક્ટ્રિક વ્હીકલ ગુજરાતમાં બનવાના, દુનિયાના 4 કે 5 દેશ છે જ્યાં સેમિકન્ડક્ટર છે આ સેમિકન્ડક્ટર હિન્દુસ્તાનમાં ગુજરાતમાં બનવાના. એક જમાનો આવશે જ્યારે ભારતમાં જે ઈલેક્ટ્રિક વ્હીકલ ચાલતા હશે ને એની ચીપ ગુજરાતમાં બની હશે.
આજે દુનિયામાં ભારતનું કદ અને સન્માન વધી રહ્યું છે. તો કોંગ્રેસના શાહજાદા અને તેમની ઈકોસિસ્ટમ વિદેશોમાં જઈને ભારતને બદનામ કરવા માટે લાંબા લાંબા ભાષણ આપીને આવે છે.
કોંગ્રેસે જ્યારે સત્તા છોડી, ત્યારે આપણા દેશની અર્થવ્યવસ્થા દુનિયામાં 11માં નંબર પર હતી. દેશ જ્યારે આઝાદ થયો, ત્યારે દેશની અર્થવ્યવસ્થા 6ઠ્ઠા નંબર પર હતી, ત્યાંથી કોંગ્રેસ 11માં નંબર પર લઈ ગઈ. એક ચા વાળો આવ્યો, તેમની નસોમાં ગુજરાતી લોહી છે. દુનિયામાં 11માં નંબર પર જે અર્થવ્યવસ્થા હતી, તે હવે 5માં નંબરે પહોંચી ગઈ.'








