'ગુરુ-શિષ્ય કા નાતા હૈ, ગીતા હમારી માતા હૈ'ના નારા સાથે સુરતમાં ભગવદગીતા અભ્યાસના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર
રાજ્ય સરકાર દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ભગવદગીતા અભ્ય

રાજ્ય સરકાર દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ભગવદગીતા અભ્યાસક્રમમાં દાખલ કરાઈ છે. ત્યારે ભગવદગીતાના પુસ્તકનો ક્યાંક ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં કલેક્ટર કચેરીએ શ્રીમદ ભગવત ગીતા સમર્થન સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતુ. સાથે 'ગુરુ-શિષ્ય કા નાતા હૈ, ગીતા હમારી માતા હૈ'ના નારા લગાવવામાં આવ્યા હતા.
વિરોધનો વિરોધ
અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવત ગીતાના ભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બાબતનો કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે. ગીતાજીના સમર્થન બાબતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. શ્રીમદ ભગવદ ગીતાના અધ્યયનથી નાનપણથી જ હતાશા અને નિરાશાથી બાળકોને બહાર લાવી શકાય છે. કેટલાક લોકો આ મૂલ્ય નથી સમજતા અને તેને જ લઈને આ આવેદન આપવામાં આવી રહ્યું છે. ધાર્મિક સામાજિક અને શૈક્ષણિક સંસ્થાના આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું.
પુસ્તક યથાવત રાખવા માગ
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ વતી દીપક રાજ્યગુરુએ કહ્યુ કે, ગીતાજી મૂલ્ય અને સિધ્ધાંતોના પ્રારુપ સ્વરૂપે અજમાયશી ધોરણે પાઠ્યપુસ્તક તરીકે મૂકવામા આવ્યુ છે. જેનો ઘણી જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે. જે યોગ્ય નથી. તેથી સરકાર આ વિરોધને અવગમણીને આ પુસ્તક અભ્યાસક્રમમાં રાખે તેવી માગ સાથે અમે કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ છે.








