છોટાઉદેપુરના નળવાટમાં પાણી માટે તરસતાં લોકો! ટાંકીની સાથે પાઈપ તૈયાર નળ કોરા કટ
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના નળવાટ ગામે નર્મદાનું ફિલ્ટરવાળું પાણી ગામ

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના નળવાટ ગામે નર્મદાનું ફિલ્ટરવાળું પાણી ગામમાં પહોંચે તે માટે પાણી પુરવઠા બોર્ડે સંપ બનાવ્યો છે. તેની બાજુમાં ટાંકી બનાવી અને ગામમાં પાણીની પાઈપલાઈન ઘર ઘર સુધી પહોંચાડવામાં આવી અને ઘરે ઘરે નળ બેસાડવામાં આવ્યા છે. જેનો ખર્ચ 27 લાખ રૂપિયાનો સરકારી ચોપડે પાડી દેવામાં આવ્યો છે. પરંતુ એક પણ ટીપું પાણી નળમાં નથી આવ્યું. જયારે ત્રણ વર્ષથી ટાંકી બનીને શોભાના ગાંઠિયા સમાન પડી રહી છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં અહીં શાળાના ઓરડાની હાલત જર્જરિત, જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર વિદ્યાર્થીઓ
હલકી કક્ષાની પાઈપોનું ફિટિંગ
નળવાટ ગામના લોકો ગ્રામ પંચાયતના વોટરવર્કસના પાણીના સહારે છે. ઉનાળો આવતા પાણીના સ્તર નીચા જતા રહે છે. નદી કોતર સુકાઈ જાય છે. ત્યારે ગ્રામજનોને કઠણાઈ ભોગવવી પડે છે. સરકારે આદિવાસી વિસ્તારના લોકો માટે ફિલ્ટર વાળું શુદ્ધ પાણી મળે અને ઘરે ઘરે પાણી પહોંચે તે હેતુથી લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો મળીને પાણીની લાઈનની અને ટાંકીની કામગીરી યોગ્ય રીતે ના કરતા હાલ ટાંકીમાં પાણી ભરવામાં આવતું નથી. ઘરે ઘરે નળ બેસાડવામાં આવ્યા હતા. એ એની જાતે જ તૂટી પડ્યા હલકી કક્ષાની કામગીરીથી યોગ્ય રીતે પાઇપોનું ફિટિંગ ન કરવામાં આવ્યું જેનો ભોગ આજે પ્રજા બની રહી છે.
તપાસ થાય તેવી માગ
સરકારી ચોપડે પાણીની ટાંકી કાર્યરત હોવાનું બતાવી દેવામાં આવ્યું છે. જયારે ગ્રામજનો પાણીપુરવઠા વિભાગને ટાંકીમાં પાણી ભરવા માટે રજૂઆત કરે છે. ત્યારે લોકોની રજૂઆત સાંભળવામાં આવતી નથી. હાલ તો આદિવાસી વિસ્તારમાં કરોડો રૂપિયાનો ખર્ચ નલ સે જલ યોજનામાં કરવામાં આવે છે. પરંતુ તે વ્યર્થ સાબિત થયો છે. ઉચ્ચ અધિકારીઓ સમગ્ર હકીકતથી વાકેફ હોવા છતાંય પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને બચાવ કરીને કોઈ તપાસ કરતા નથી. હાલ તો છોટાઉદેપુર જિલ્લાના દરેક ગામડાઓમાં નલ સે જલ યોજનાની કામગીરીની તપાસ થવી જોઈએ. તો સમગ્ર હકીકત બહાર આવે તેમ છે.








