કરોડોનો ટોલ છતાં રોડમાં પોલંપોલ, ખરાબ રસ્તા મુદ્દે સરકાર સામે લોકોએ માંડ્યો મોરચો
ગુજરાતમાં વરસાદ બાદ મોટાભાગના રસ્તા ખખડધજ થઈ ગયા છે. શહેર-ગામ જ નહીં નેશનલ હાઈવે,

ગુજરાતમાં વરસાદ બાદ મોટાભાગના રસ્તા ખખડધજ થઈ ગયા છે. શહેર-ગામ જ નહીં નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવેની સ્થિતિ બદથી બદતર છે. રાજ્યના કેટલાક નેશનલ હાઇવેની સ્થિતિ એવી થઈ ગઈ છે કે 10 કિલોમીટરનું અંતર કાપવા માટે પણ 1 કલાક જેટલો સમય થઈ જાય છે.
ખરાબ રોડ મામલે નાગરિકોનો રોષ
મળતી માહિતી અનુસાર, ગુજરાતમીથી એક વર્ષમાં ટોલ પેટે સરકારને 4800 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. છતાં નાગરિકોને આવા બિસ્માર રોડથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખરાબ રોડ મામલે નાગરિકોનો રોષ હવે ભભૂકી ઉઠ્યો છે અને જનઆંદોલન દ્વારા સરકાર સામે મોરચો માંડ્યો છે. તાજેતરમાં ખરાબ રોડ રસ્તા અંગે કચ્છના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગે 'નો રોડ, નો ટોલ'નું આંદોલન કર્યું હતું.
ટ્રાન્સપોર્ટરોની આ લડત સામે નેશનલ હાઇવે ઓથોરિટીને ઝૂકવું પડ્યું
ટ્રાન્સપોર્ટરોની આ લડત સામે નેશનલ હાઇવે ઓથોરિટીને ઝૂકવું પડ્યું હતું અને 15મી સપ્ટેમ્બર સુધી સામખિયાળી, સુરજબારી, મોખા, માખેલ એમ ચાર ટોલગેટ પર કોઈ ટોલટેક્સ નહીં વસૂલવાનો નિર્ણય લીધો હતો. દર વર્ષે ચોમાસા બાદ ખખડી જતાં આ રસ્તા સામે લોકોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. એક વર્ષમાં જે રાજ્યને ટોલથી સૌથી વધુ આવક થઈ હોય તેમાં ઉત્તર પ્રદેશ 6995 કરોડ રૂપિયા સાથે મોખરે, રાજસ્થાન 5885 કરોડ રૂપિયા સાથે બીજા સ્થાને, મહારાષ્ટ્ર 5352 કરોડ રૂપિયા સાથે ત્રીજા સ્થાને, જ્યારે ગુજરાત 4851 કરોડ રૂપિયા સાથે પાંચમાં સ્થાને છે. આ સ્થિતિએ ગુજરાતના હાઈવેમાં ટોલથી દરરોજ સરેરાશ 13 કરોડ રૂપિયાથી વધુની આવક થાય છે. ટોલ પેટે વાહનચાલકોએ આટલી રકમ આપતા હોવા છતાં તેમને સામે કમર તોડી નાખે તેવા રોડ, પાપડ જેવા નાજુક પૂલ મળે છે.





