મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નસવાડીમાં સરકારના 18 કરોડ પાણીમાં! પાઈપ ખરીદીને ફીટ ન કરાતાં નાણાનો વેડફાટ ને પ્રજા પરેશાન

નસવાડી તાલુકાના 24 ગામોને 44 કરોડના ખર્ચે ફિલ્ટર વાળું શુદ્ધ પાણી મળે તે માટે

નસવાડીમાં સરકારના 18 કરોડ પાણીમાં! પાઈપ ખરીદીને ફીટ ન કરાતાં નાણાનો વેડફાટ ને પ્રજા પરેશાન

નસવાડી તાલુકાના 24 ગામોને 44 કરોડના ખર્ચે ફિલ્ટર વાળું શુદ્ધ પાણી મળે તે માટે સરકારે યોજના મંજૂર કરી હતી. પરંતુ, તેમાં 18 કરોડથી વધુના ખર્ચે પાણી પુરવઠા બોર્ડે પાઈપલાઈનની ખરીદી કરીને પાઇપોના ઢગલા મારી દીધા હતાં. પરંતુ પાઇપના ઢગલા છ માસથી પડી રહ્યા છે. બિન જરૂરી પાઇપો ખરીદીને સરકારના નાણાં વેડફવામાં આવ્યા છે. 

આ પણ વાંચોઃનસવાડીના સત્તાધિશોની વેપારીઓ સાથે મિલિભગત, APMCમાં ખેડૂતના પાકની નથી થતી હરરાજી

પાઈપોના ઢગલાં કરાયા

નસવાડી તાલુકામાં 119 ગામોને નર્મદા કેનાલમાંથી પાણી લઇને ફિલ્ટરવાળું પાણી મળે તે માટે પોચમ્બા પાણી પુરવઠા યોજના શરુ કરવામાં આવી હતી. પરંતુ અમુક ગામો તાલુકાના પાણીની તંગીથી જજૂમતા હતા. જેને લઈને સરકારે 24 ગામો માટે 44 કરોડના ખર્ચે નવી યોજના મંજૂર કરી છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા એજન્સીને કામ સોંપતા છેલ્લા છ માસ કરતાં વધુ સમયથી કામગીરી ચાલી રહી છે. ધીમી ગતિએ કામગીરી ચાલતી હોવાથી આગામી ઉનાળામાં જે ગામડાઓ પાણીની તંગી ભોગવતા હતા. તેઓને આ વર્ષે પણ પાણી નહિ મળે. જયારે પાણી પુરવઠા બોર્ડ કામની પ્રગતિ બતાવવા માટે અને ખર્ચ બતાવવા માટે 22 કરોડની પાઇપનું એસ્ટીમેન્ટ છે. તેની સામે 18 કરોડ રૂપિયાના ખર્ચે પાઇપ લાઈનની ખરીદીનો ખર્ચ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ કંપનીને પેમેન્ટ કરીને પાઇપોના ઢગલા મારી દેવામાં આવ્યા છે. હાલ આ પાઇપોના ઢગલા ગામે ગામ પડી રહ્યા છે. 

ખર્ચ સરકારી ચોપડે બતાવાયો

બિનઉપયોગી પાઇપોના ઢગલામાં પાઇપોની ગણતરી પણ પાણીપુરવઠા વિભાગ પાસે નથી. સરકારના 18 કરોડનો ખર્ચ સરકારી ચોપડે બતાવી દેવામાં આવ્યો છે. જયારે આ પાઇપો હજુ પણ પાંચ મહિના ઉપયોગમાં લઇ શકાય તેમ નથી. જયારે અધિકારીઓ આવી રીતના બિન જરૂરી ખર્ચાઓ પાડીને સરકારના નાણાં વાપરી નાખે છે. ત્યારે અધિકારીઓએ જરૂરિયાત વાળી જગ્યાએ ખર્ચ કરવો જોઈએ. નસવાડી તાલુકામાં 44 કરોડના ખર્ચે આ યોજનાની કામગીરી ઝડપથી કરાવવા માટે અધિકારીઓએ ધ્યાન આપવું જોઈએ.

પ્રજાની જગ્યાએ કોન્ટ્રાક્ટરોને લાભ

હાલ તો નસવાડી તાલુકાની કુપ્પા પાણીપુરવઠા યોજનામાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાંય પાંચ વર્ષથી યોજના અધૂરી છે. 70થી વધુ ગામોને પાણી આપવાની યોજના હતી. તે કામગીરી પણ પુરી કરવામાં આવી નથી. પાણીપુરવઠા બોર્ડના અધિકારી ગામડાઓની મુલાકાત લે અને પાણી માટેની યોજનાઓ અધૂરી છે. ધીમી કામગીરી ચાલી રહી છે. તે કામગીરી ઝડપથી કરાવે તો પ્રજાને વિકાસનું મીઠું ફળ મળશે.સરકારે પ્રજા માટે ફાળવેલા નાણાંનો વિકાસ થયો હોવાનું સાર્થક થશે. પરંતુ અત્યાર સુધી વાસ્મો યોજના નલ સે જલ યોજનાનો લાભ પ્રજાની જગ્યાએ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને થયો છે.

આ સમાચાર શેર કરો