'વિસાવદર વાળી નહી પણ નેપાલવાળી થશે', હળવદ-ધ્રાંગધ્રાના MLA વિરુદ્ધ ફરી સોશિયલ મીડિયામાં લોકોનો બળાપો
હળવદ-ધ્રાંગધ્રા બેઠકના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ફરી એકવાર સોશિયલ મીડિયામ

હળવદ-ધ્રાંગધ્રા બેઠકના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ફરી એકવાર સોશિયલ મીડિયામાં લોકોના આક્રોશનો ભોગ બન્યા છે. ધારાસભ્યએ વિકાસના કામોની પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકતા જ લોકોએ તેમના પર પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો અને ઉગ્ર બળાપો ઠાલવ્યો હતો.
વિકાસના નામે વિરોધ: સોશિયલ મીડિયામાં આકરા પ્રશ્નો
ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ જ્યારે પણ પોતાની કામગીરી કે પ્રવૃત્તિઓ અંગે સોશિયલ મીડિયામાં ફોટો કે પોસ્ટ મૂકી છે, ત્યારે સામાન્ય જનતાએ ખેડૂતોના પ્રશ્નો અને અધૂરી કેનાલોના મુદ્દે તેમને ઘેર્યા છે. લોકોએ આક્રોશ વ્યક્ત કરતાં કોમેન્ટ કરી હતી કે:
"ખેડૂતો હવે તમને દોડાવશે અને વિસાવદર વાળી નહી પણ નેપાલવાળી થશે." "અધૂરી માઈનોર કેનાલ પુરી કરાવો, આમને આમ પાંચ વર્ષ પુરાં થઈ જશે."
કેનાલમાં 70 કરોડના કૌભાંડનો ગંભીર આક્ષેપ
સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી કોમેન્ટ્સમાં સૌથી ગંભીર આક્ષેપ એ હતો કે ધાંગધ્રા તાલુકાની પેટા માઈનોર કેનાલોમાં 70 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે. લોકોએ આ અધૂરી કેનાલોનું કામ વહેલી તકે પૂર્ણ કરવાની માંગ કરી હતી.
ધારાસભ્યની સોશિયલ મીડિયા પોસ્ટમાં માત્ર ભાજપના હોદ્દેદારો જ દેખાતા હોવાથી, લોકોએ ટકોર કરી હતી કે ધારાસભ્ય માત્ર હોદ્દેદારો વચ્ચે જ કામ કરી રહ્યા છે, સામાન્ય લોક પ્રશ્નો પ્રત્યે ધ્યાન આપી રહ્યા નથી.
'વિશ્વ ગુરુ' અને 'યોગ'ની વાત કરતા ધારાસભ્ય સામે રોષ
લોકોએ એવો પણ બળાપો ઠાલવ્યો હતો કે ધારાસભ્ય પ્રકાશ વરમોરા માત્ર સોશિયલ મીડિયામાં વિશ્વ ગુરુ અને યોગ જેવી વાતો કરે છે, પરંતુ પ્રજાના જમીની પ્રશ્નો પર ધ્યાન આપતા નથી. ખેડૂતો અને જનતાને સ્પર્શતા પાણી, સિંચાઈ અને વિકાસના પ્રશ્નો હલ ન થતા, ધારાસભ્ય સામેનો આક્રોશ હવે સોશિયલ મીડિયાના માધ્યમથી સપાટી પર આવ્યો છે.







