રાજકોટ: ચેકઅપ રુમમાં CCTV લગાવવાને મામલે તંત્રની નોટિસમાં પાયલ હોસ્પિટલનો લૂલો બચાવ
રાજકોટ પાયલ મેટરનિટી હોસ્પિટલમાં મહિલા દર્દીઓના CCTV વીડિયો અપલોડ કેસમાં સમગ્ર તંત્ર દ્વારા એકજ

રાજકોટ પાયલ મેટરનિટી હોસ્પિટલમાં મહિલા દર્દીઓના CCTV વીડિયો અપલોડ કેસમાં સમગ્ર તંત્ર દ્વારા એકજૂટ થઈને સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક તરફ આ મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી તપાસ કરવામાં આવી રહી છે તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. હોસ્પિટલના ચેકઅપ રુમમાં CCTV લગાવવાને મામલે તંત્ર દ્વારા પાયલ હોસ્પિટલને નોટિસ આપવામાં આવી હતી. નોટિસનો જવાબ આપતા હોસ્પિટલે આ અંગે પોતાનો લૂલો બચાવ કર્યો હતો.
રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા CCTV બાબતે માંગવામાં આવેલ જવાબમાં હોસ્પિટલે ખુલાસો કર્યો હતો કે, પાયલ હોસ્પિટલે ચેકઅપ રૂમમાં CCTV કેમેરા કિંમતી વસ્તુઓના કારણે લગાવ્યા હોવાનો લૂલો બચાવ રજુ કર્યો હતો. આરોગ્ય વિભાગે સંપૂર્ણ રિપોર્ટ કમિટીમાં મોકલ્યો છે. અગાઉ આરોગ્ય વિભાગ જ ખુલાસો કરી ચૂક્યું છે કે હોસ્પિટલ ચેકઅપ રૂમ CCTV કેમેરા રાખી શકાય નહીં, ત્યારે હવે આરોગ્ય વિભાગ આ મામલે કયા પ્રકારની કાર્યવાહી કરશે તે જોવું રહ્યું.
આ મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ત્રીજા આરોપીની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી, જે અગાઉ નેટફ્લિકસ જેવી વેબસાઈટનાં લોગીન આઈડી પાસવર્ડ વેચતો હતો અને છેલ્લાં એક વર્ષથી આ કામમાં જોડાયેલો છે. પ્રાથમિક તપાસમાં અત્યાર સુધીમાં એક લાખ રૂપિયા આ રીતે મેળવ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. જોકે આરોપીઓની તપાસમાં આગામી સમયમાં અનેક ખુલાસા સામે આવી શકે છે.






