VIDEO: પાટણ પોલીસની મોટી એક્શન: ઝીલિયા હુમલા કેસમાં LCBના 4 કૉન્સ્ટેબલને કરાયા સસ્પેન્ડ
VIDEO: પાટણ જિલ્લાના ઝીલિયા ગામમાં આવેલા એક ફાર્મ હાઉસ પર થયેલા હુમલા બાદ શરૂ થયેલો વિવાદ હવે પોલીસ તંત્ર સુધી પહોંચ્યો છે. સામાજિક આગેવાનો અને સ્થાનિક ધારાસભ્યની ઉગ્ર રજૂઆતો અને આંદોલનની ચીમકી બાદ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકે (SP) આખરે નમતું જોખવું પડ્યું છે અને એલસીબી (LCB) ના ચાર કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાના ઓર્ડર જારી કર્યા છે.
શું હતી સમગ્ર ઘટના?
ઝીલિયા ગામમાં ફાર્મ હાઉસ પર થયેલા હુમલાના કેસમાં પકડાયેલા આરોપીઓને જાહેરમાં માર મારવાની ઘટના સામે આવી હતી. આ મામલે સામાજિક અગ્રણીઓએ આક્ષેપ કર્યો હતો કે પોલીસના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ ગુનેગારોને છાવરવા માટે એક અથવા બીજી રીતે મદદ કરી રહ્યા છે. આ બેવડી નીતિ અને માનવ અધિકારોના ઉલ્લંઘન બદલ પોલીસ સામે રોષ ફાટી નીકળ્યો હતો.
સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓની યાદી
ધારાસભ્ય અને સમાજના અગ્રણીઓની સખત માંગણી બાદ જિલ્લા પોલીસ વડાએ તપાસના અંતે એલસીબીના નીચે મુજબના ચાર કૉન્સ્ટેબલોને સસ્પેન્ડ કર્યા છે:
કુલદીપ લક્ષ્મીદાસ
કિરણ ભલાભાઈ
અતૂલ બળદેવભાઈ
હસમુખ અમરાભાઇ
તંત્ર પર ઉઠ્યા સવાલો
આ કેસમાં એવો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે પોલીસ કર્મચારીઓ કાયદાનું પાલન કરાવવાને બદલે પક્ષપાતી વલણ અપનાવી રહ્યા હતા. આગેવાનોએ એવી પણ માંગ કરી હતી કે માત્ર નીચલા સ્તરના કર્મચારીઓ જ નહીં, પરંતુ જો કોઈ ઉચ્ચ અધિકારી પણ આ ભ્રષ્ટાચારમાં સામેલ હોય તો તેમની સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ. હાલમાં 4 પોલીસકર્મીઓના સસ્પેન્શનથી સમગ્ર પાટણ પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.

