રાજ્યભરમાં 3264 સરકારી શાળાઓમાં આચાર્ય પદ માટે HTAT પરીક્ષા, 1 જગ્યા માટે 11 વચ્ચે સીધી સ્પર્ધા

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આજે સરકારી શાળાઓમાં આચાર્ય બનવા માટેની મહત્વપૂર્ણ HTAT પરીક્ષા યોજાઈ રહી છે. રાજ્યની 3264 સરકારી શાળાના આચાર્ય પદ માટે કુલ 37414 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. આ પરીક્ષામાં 5 વર્ષ કરતા વધુ સમયથી શિક્ષક તરીકે ફરજ બજાવતા અનુભવી ઉમેદવારો પ્રિન્સીપાલ બનવા માટે મેદાનમાં છે, જેના કારણે 1 જગ્યા માટે સરેરાશ 11 ઉમેદવારો વચ્ચે સીધી સ્પર્ધા જોવા મળી રહી છે. છેલ્લા 2થી 3 મહિનાથી આ પરીક્ષાની તૈયારી કરી રહેલા અને હાલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ઉમેદવારોએ જણાવ્યું હતું કે તેઓ આ પરીક્ષા આપવા માટે તૈયાર છે.
આ પરીક્ષા આપવા પહોંચેલા ઉમેદવારોમાં વ્યવસ્થા અને કામગીરીને લઈને કેટલીક મુશ્કેલીઓ પણ જોવા મળી હતી. ખાસ કરીને ઉમેદવારોને 200થી વધુ કિલોમીટર દૂર પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવતા તેઓને મુસાફરીમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત, સરકાર દ્વારા પરીક્ષા તો લઈ લેવામાં આવે છે પણ ભરતી કરવામાં વાર લાગે છે તે અંગે પણ ઉમેદવારોએ જણાવ્યું હતું. તેમ છતાં, શિક્ષકમાંથી આચાર્ય બનવાની આ મોટી તક હોવાથી ઉમેદવારોએ તમામ મુશ્કેલીઓ પાર કરીને પરીક્ષા આપી હતી.






