Video: કુખ્યાત ભાવેશ ઝીલિયા પર હુમલાના આરોપી પર ફાયરિંગ

પાટણ શહેરના હાસાપુર વિસ્તારમાં આજે સવારે ફાયરિંગની ઘટના સામે આવી છે. કુખ્યાત ભાવેશ ઝીલિયા પર થયેલા હુમલાના આરોપી અને શ્રેય ફિટનેસના માલિક દલપતસિંહ ઠાકોર પર બાઇક પર આવેલા બે અજાણ્યા બુકાનીધારી શખસે અંદાજે 5થી 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સદનસીબે આ હુમલામાં દલપતસિંહ ઠાકોરને કોઈ ઈજા પહોંચી નથી, પરંતુ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, હાસાપુર વિસ્તારમાં રોટલીયા હનુમાન મંદિર નજીક, આયુષ ટાઉનશીપ પાસે આવેલા શ્રેય મોલમાં દલપતસિંહ ઠાકોરનું જીમ આવેલું છે. વહેલી સવારે દલપતસિંહ ઠાકોર જીમ ખાતે આવ્યા હતા ત્યારે બાઇક પર આવેલા બે બુકાનીધારી શખ્સ તેમના પર અંધાધૂંધ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ પાટણ જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, એલસીબી, એસઓજી અને બી-ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. FSLની ટીમને પણ તપાસ માટે બોલાવવામાં આવી હતી.















