Patanમાં DAP ખાતરની 'કૃત્રિમ અછત', ખાતર માફિયા સિન્ડિકેટ સક્રિય, GSTVએ કર્યો પર્દાફાશ
પાટણ જિલ્લામાં હાલમાં રવિ સિઝનનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે ખેડૂતોને માથે વધુ એક મુશ્કેલી આવી પડી છે. જિલ્લામાં મુખ્ય ખાતર ગણાતા DAP (ડી એ પી) ખાતરની કૃત્રિમ અછત સર્જાઈ છે. આ અછત પાછળ ખાતર માફિયા સિન્ડિકેટ સક્રિય હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
GSTV દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરીને ખાતર પર કેવી 'રમત' રમાઈ રહી છે, તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે, આ અછતનું મુખ્ય કારણ ખાનગી કંપનીઓનું દબાણ છે.
શું છે ખાતર માફિયા સિન્ડિકેટની રમત?
ખાતર બનાવતી ખાનગી કંપનીઓ DAP ખાતર ઉપરાંતની તેમની અન્ય પ્રોડક્ટ્સ (જેમ કે અન્ય ખાતરો કે જંતુનાશકો) વેચવા માટે વેપારીઓ પર દબાણ કરી રહી છે. વેપારીઓને DAP ખાતરનો જથ્થો જોઈતો હોય તો, તેમને કંપની દ્વારા નક્કી કરેલી અન્ય બિનજરૂરી પ્રોડક્ટ્સ પણ સાથે લેવા માટે મજબૂર કરવામાં આવે છે. આના કારણે બજારમાં માત્ર DAP ખાતરની તંગી સર્જાય છે.
રજાના દિવસે 'વહીવટ':
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, DAP ખાતરની ગાડીઓ રજાના દિવસે એટલે કે જાહેર રજાઓ કે વીકએન્ડમાં આવે છે, જેથી ખાતર માફિયાઓ દ્વારા આ ખાતરનો 'વહીવટ' કરવામાં આવે છે. આ પદ્ધતિથી ખાતર બારોબાર સંગ્રહખોરો કે બ્લેકમાં વેચનારાઓ પાસે પહોંચી જાય છે, અને નિયમિત વેચાણમાં ખેડૂતોને મળતું નથી.
આ કુત્રિમ અછતના કારણે ખેડૂતોને રવિ પાકની વાવણી માટે જરૂરી DAP ખાતર સમયસર મળી રહ્યું નથી. ખેડૂતોને ઊંચા ભાવે કે પછી બિનજરૂરી વસ્તુઓ સાથે ખરીદી કરવા મજબૂર થવું પડી રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર આ ખાતર માફિયા સિન્ડિકેટ સામે ક્યારે પગલાં લે છે અને ખેડૂતોને રાહત ક્યારે મળે છે, તે જોવું રહ્યું.

