મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાટણ : બાળક વેચવાના કૌભાંડમાં નકલી ડોક્ટર સુરેશ ઠાકોર 4 દિવસના રિમાન્ડ પર

Patan Child selling Scam : પાટણ જિલ્લાના રાધનપુરમાં નિ:સંતાન દંપતિને બાળક વેચી

પાટણ :  બાળક વેચવાના કૌભાંડમાં નકલી ડોક્ટર સુરેશ ઠાકોર 4 દિવસના રિમાન્ડ પર

Patan Child selling Scam : પાટણ જિલ્લાના રાધનપુરમાં નિ:સંતાન દંપતિને બાળક વેચી દેવાના મામલે આરોપી નકલી ડોક્ટર સુરેશ ઠાકોરને ચીફ જ્યુડિશિયલ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેના 2 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

સુરેશ ઠાકોરના 4 દિવસના રિમાન્ડ મંજૂર 

પાટણ SOGએ આરોપીના 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જોકે કોર્ટે તેના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સુરેશ ઠાકોર બાળક ક્યાંથી લાવ્યો, બાળકના અસલી માતા પિતા કોણ છે, એ બાબતે તપાસ કરવાનું બાકી છે. બાળકના જન્મનું પ્રમાણપત્ર રાધનપુર નગરપાલિકામાંથી કઈ રીતે મેળવ્યું તેની પણ તપાસ કરવાનું બાકી છે.

આ ઉપરાંત પોલીસ પૂછપરછમાં શિલ્પા નામની મહિલાનું નામ ખુલતા તેનું ઇન્ટરોગેશન કરવા સહિતના મુદ્દાઓ ટાંકી 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યાં હતા. સરકારી વકીલ અને આરોપીના વકીલની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે સુરેશ ઠાકોરના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

એક સોદાના રૂપિયા 1.20 લાખ

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કોરડા ગામમાંથી ઝડપાયેલા નકલી ડોક્ટર સુરેશ ઠાકોર સુનિયોજિત કાવતરા મારફતે બાળક વેચતો હોવાનું અને એક સોદાના રૂપિયા 1.20 લાખ લેવાતા હોવાનું સામે આવ્યું છે. આ મામલે પાટણની એસ.ઓ.જી ટીમે બોગસ તબીબના ક્લિનિકમાંથી રૂપિયા 13 લાખ ઉપરાંતની એલોપેથી દવાઓનો જથ્થો જપ્ત કરી તેના વિરુદ્ધ વારાહી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવ્યો હતો.

દીકરીના 5 લાખ, દીકરાના 10 લાખ

પાટણમાં બાળક વેચવાના કૌભાંડ મામલે પાટણના કોંગ્રેસ ધારાસભ્ય ડો.કિરીટ પટેલે મોટા આક્ષેપ લગાવ્યાં છે. તેમણે કહ્યું કે પાટણમાં બાળકોને વેચવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે તે સમગ્ર પાટણ જિલ્લા માટે ગંભીર બાબત છે, આવી બાબતો ગુજરાતના સામાજિક જીવનને મોટી અસર કરે છે. પોલીસ દ્વારા આ બાબતે ઢીલી તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં મોટા માથાઓને દૂર રાખવામાં આવી રહ્યા છે.

ધોરણ-10 ભણેલો વ્યક્તિ 10 દસ વર્ષથી જિલ્લામાં ગેરકાયદેસર રીએ તબીબી પ્રેક્ટિસ કરતો હતો તે વહીવટી તંત્ર આરોગ્યતંત્ર, અને પોલીસને ખબર નહીં હોય? કિરીટ પટેલે આ બાબતે SITની રચના કરવાની માંગ કરી છે. .

તેમણે કહ્યું કે આ આરોપીએ 10થી વધુ બાળકો વેચ્યા છે, જેમાં દીકરી માટે 5 લાખ અને દીકરા માટે 10 લાખ રૂપિયા લેવામાં આવતા હતા. 

આ સાથે કિરીટ પટેલે કહ્યું કે આરોપી કોઈપણ રાજકીય પક્ષ સાથે સંકળાયેલો હોય તો પણ સરકારે ગંભીરતા દાખવી તટસ્થ તપાસ કરવી જોઈએ. આ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હોવાથી સરકાર દ્વારા તપાસ કરવામાં નહીં આવે તેવી પણ આશંકા તેમણે વ્યક્ત કરી છે. 

આ સમાચાર શેર કરો