મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈ રાજકારણ ગરમાયું, MP ધવલ પટેલે કોંગ્રેસ અને અનંત પટેલ પર કર્યા આક્ષેપ

દક્ષિણ ગુજરાતમાં બહુચર્ચિત પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટના વિરોધને લઈને રાજકારણ

દક્ષિણ ગુજરાતમાં બહુચર્ચિત પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટના વિરોધને લઈને રાજકારણ ગરમાયું છે. એક તરફ, કોંગ્રેસના નેતા અનંત પટેલ અને તેમની પાર્ટી દ્વારા આવતીકાલે ધરમપુરમાં આ મુદ્દે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ, વલસાડ અને ડાંગના સાંસદ ધવલ પટેલે આજે એક પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ અને અનંત પટેલ પર આદિવાસી સમુદાયને ગેરમાર્ગે દોરવાનો અને રાજકીય લાભ ખાટવાનો આક્ષેપ કર્યો છે.

ગેરમાર્ગે દોર્યાના આક્ષેપ

સાંસદ ધવલ પટેલે પત્રકાર પરિષદમાં કેન્દ્ર સરકારનો એક લેખિત પત્ર રજૂ કર્યો હતો, જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટને પડતો મૂકવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, “કેન્દ્ર સરકારે આજે જ આ પ્રોજેક્ટને સત્તાવાર રીતે પડતો મૂકતો પત્ર મીડિયા સમક્ષ રજૂ કર્યો છે. આમ છતાં, કોંગ્રેસ અને અનંત પટેલ આદિવાસીઓને ભ્રમિત કરી રહ્યા છે.  કોંગ્રેસ અને અનંત પટેલ વર્ષ ૨૦૧૭ના ડી.પી.આર. (ડિટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ) ને બતાવીને આદિવાસીઓમાં ગેરસમજ ફેલાવી રહ્યા છે. હકીકતમાં, સરકારે તો ૨૦૨૩માં જ આ પ્રોજેક્ટને પડતો મૂકવાની જાહેરાત કરી દીધી હતી. આમ છતાં, તેઓ રાજકીય રોટલા શેકવા માટે આદિવાસીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે.”

હિતોનું ધ્યાન રખાશે

ધવલ પટેલે ભારપૂર્વક જણાવ્યું કે, સરકાર આ પ્રોજેક્ટને આગળ ધપાવવાની કોઈ યોજના ધરાવતી નથી અને આદિવાસી સમુદાયના હિતોનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. તેમણે લોકોને કોંગ્રેસ અને અનંત પટેલ દ્વારા ફેલાવવામાં આવતી અફવાઓથી દૂર રહેવા અને સત્ય સ્વીકારવા અપીલ કરી.આ ઘટનાક્રમ દર્શાવે છે કે દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓના મુદ્દે રાજકીય પક્ષો વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે, જ્યાં એક પક્ષ પ્રોજેક્ટ રદ્દ થયાની વાત કરી રહ્યો છે અને બીજો પક્ષ વિરોધ પ્રદર્શન દ્વારા જનસમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આવતીકાલે ધરમપુરમાં યોજાનારી કોંગ્રેસની રેલી પછી આ મુદ્દે રાજકીય ચર્ચા વધુ વેગ પકડે તેવી શક્યતા છે.

આ સમાચાર શેર કરો