મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભક્તિના નામે મોટી છેતરપિંડી: Sabarkanthaમાં 'હરિદ્વાર કથા'ના આયોજકો રૂપિયા ઉઘરાવી ફરાર!

ભક્તિ અને આસ્થાના નામે સાબરકાંઠા જિલ્લામાં એક મોટી છેતરપિંડીની ઘટના સામે આવી છ

ભક્તિ અને આસ્થાના નામે સાબરકાંઠા જિલ્લામાં એક મોટી છેતરપિંડીની ઘટના સામે આવી છે. હરિદ્વાર કથાના આયોજનના નામે જિલ્લાના 350થી વધુ શ્રદ્ધાળુઓ પાસેથી ₹3,500 પ્રતિ વ્યક્તિ ઉઘરાવી લેવામાં આવ્યા બાદ આયોજકો ઓફિસને તાળા મારીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

લક્ઝરી યાત્રાના નામે મોટી સંખ્યામાં લોકો છેતરાયા

આ છેતરપિંડીના મામલામાં વડાલી, ઈડર, હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લાના 15થી વધુ ગામોના લોકો ફસાયા છે. આયોજકોએ શ્રદ્ધાળુઓને ₹3,500માં લક્ઝરી બસમાં હરિદ્વાર યાત્રા અને કથાના દર્શન કરાવવાની લાલચ આપી હતી.

1 નવેમ્બરના રોજ લક્ઝરી બસમાં હરિદ્વાર કથા માટે પ્રસ્થાન કરવાનું બુકિંગ કરાવવામાં આવ્યું હતું. આયોજકોએ 7થી વધુ લક્ઝરી બસોનું બુકિંગ બતાવીને લોકો પાસેથી મોટી રકમ ઉઘરાવી હતી.  માત્ર સાબરકાંઠા જ નહીં, પરંતુ બનાસકાંઠા, અમદાવાદ અને મુંબઈના ભક્તોએ પણ આ યાત્રા માટે રિઝર્વેશન કરાવ્યું હતું.

આયોજકો ફરાર, ઓફિસને તાળા

નિર્ધારિત તારીખે જ્યારે શ્રદ્ધાળુઓ યાત્રા માટે ભેગા થયા, ત્યારે તેમને ખબર પડી કે આયોજકો કિશન અને લાલભાઈ નામના વ્યક્તિઓ તેમની ઓફિસને તાળાબંધી કરીને ફરાર થઈ ગયા છે. તપાસમાં તેમની ભાડે રાખેલી ઓફિસમાંથી કરાર સુધીનો પુરાવો પણ મળી આવ્યો છે. 

પોલીસ ફરિયાદ નોંધાઈ, તપાસ શરૂ

ભક્તિ અને આસ્થાના નામે થયેલી આ મોટી છેતરપિંડીને પગલે છેતરાયેલા લોકોએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને ફરાર થયેલા આયોજકો કિશન અને લાલભાઈને શોધવા માટે આગળની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો