UCC અંગે વિપક્ષ નેતાઓએ સરકારની કાઢી આકરી ઝાટકણી, જુઓ શું કહ્યું
એક તરફ ભાજપ સરકાર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા અંગે કાર્યરત થઈ પગલા ભરી રહી છે. જેને લઈ

એક તરફ ભાજપ સરકાર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા અંગે કાર્યરત થઈ પગલા ભરી રહી છે. જેને લઈને પાંચ સભ્યોની કમિટિની રચના કરવામાં આવી છે. આ યુનિફોર્મ સિવિલ કોડને પગલે વિપક્ષ નેતાઓએ પોતાની પ્રતિક્રિયા રજુ કરી છે.
UCC અંગે 'આપ' નેતા ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા
UCC અંગે ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે. ઈસુદાન ગઢવીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, UCCમાં ઘણી બધી બાબત એવી છે કે પરંપરાગત સંસ્કૃતિ પર તરાપ છે. માલધારી સમાજના અલગ રિવાજ છે. આદિવાસી સમાજમાં બહુ પત્નીત્વ અને અન્ય રિવાજ છે. તેમજ આદિવાસી સમાજની ગુજરાતમાં ૨૭ સીટ છે જેમાં આ એકેય સીટ પર ભાજપ જીતી શકશે નહિ.
યુનિફોર્મ સિવિલ કોડને કારણે ઈસાઈ, શીખ સહિતનાં લોકોને અસર થશે. ચૂંટણી આવે એટલે આ પ્રકારની યુક્તિઓ સામે આવે છે. તેમને મોંઘવારીથી કોઈ લેવાદેવા નથી. વિવિધ સમાજને આ UCC નડતરરૂપ થશે તો આમ આદમી પાર્ટી તેનો વિરોધ કરશે.
આ પણ વાંચો : ગુજરાતમાં UCC લાગુ થશે, 5 સભ્યોની કમિટીની રચના; 45 દિવસમાં રિપોર્ટ રજૂ કરાશે
યુસીસી કમિટી પર કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ આપ્યું નિવેદન
યુસીસી કમિટી પર કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ પણ પ્રતિક્રિયા આપી છે. યુસીસીની પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે તેમાં એક પણ મુસ્લિમ સમુદાયના લોકોને સ્થાન આપવામાં આવ્યું નથી. હાલ ફક્ત કમિટીની રચના કરવામાં આવી છે બાદમાં મુસદ્દો તૈયાર થયા બાદ લોકો સમક્ષ મૂકવામાં આવશે. તેમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેના પર ચર્ચા વિચારણા કરશે. તમામ સમાજને સાથે રાખીને જો મુસદ્દો તૈયાર કરવામાં આવશે તો તમામ સમાજનું હિત સચવાશે. ઉત્તરાખંડમાં લાગુ થયા બાદ ગુજરાતમાં યુસીસી લાગુ કરવું યોગ્ય નથી. મુસ્લિમ સમાજ સાથે અન્યાય થશે તો હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવા સુધી ઇમરાન ખેડાવાલાએ આપી ચીમકી આપી છે.
UCC અંગે ગુજરાત કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ સરકારની કાઢી ઝાટકણી
UCC અંગે ગુજરાત કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ પણ પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે નિવેદન આપતા જણાવ્યું છે કે, સમગ્ર દેશમાં ઊંચો મોઘવારી દર, રૂપિયાનું અવમૂલ્યન, ખેડૂત, ખેતી અને હિન્દુસ્તાન બરબાદ થયા તેવી ભાજપની નીતિ રહી છે. ભાજપ સરકાર દ્વારા પોતાની નિષ્ફળતા ઢાંકવા UCC લાગુ કરવા એક કમિટીની રચના કરવામાં આવી છે. ભાજપનો ખેસ પહેર્યો અને લુંટનું લાયસન્સ લઈ જાઓ, તેમના પરથી ધ્યાન ભટકાવવા આ નિયમ લાગુ કરવા માટે કવાયત કરી છે. સરકારે યુનિફોર્મ સિવિલ કોડ માટે કમિટી બનાવી છે તો સરકારને પુછવા માંગીએ છીએ કે દેશનું સર્વ શ્રેષ્ઠ બંધારણ બાબા સાહેબે આપ્યું છે.
આ પણ વાંચો : ગુજરાતમાં આદિવાસી સમાજનો UCCમાં સમાવેશ થશે? ગૃહરાજ્યમંત્રીએ આપ્યો જવાબ
2018માં લો કમિશ્નર સમાન સિવિલ કોડની દરખાસ્ત ફગાવી હતી. સરકારની નીતિ સાફ હોય તો રાજ્યના મુખ્ય મંત્રી અને ગૃહ મંત્રીને ભ્રષ્ટાચાર મુદ્દે ચર્ચા કરવા અપીલ કરીએ છીએ. યુનિફોર્મ સર્વિસ કોડની જરૂર છે. યુનિફોર્મ હેલ્થ કોડ લાગુ કરવાની જરૂર છે જેથી લોકોને સારી આરોગ્ય સેવા મળે. ભેદભાવ વગર ન્યાય મળે તે માટે યુનિફોર્મ લો કોડ લાગુ કરવાની જરૂર છે.
ભાજપ નો ખેસ પહેરી લુંટ કરી તો માફ પણ સામાન્ય માણસ ગુનો કરે તો વરઘોડા નીકળે છે. દીકરીના વરઘોડા નીકળે છે. જાહેરાતમાં વાતો કરતા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને કહીએ છીએ કે ગુજરાતમાં યુનિફોર્મ સર્વિસ કોડ લાગુ કરવામાં આવે. સરખો ન્યાય મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવે. સરકાર જ્યારે ચુંટણી આવે ત્યારે આ પ્રકારની નૌટંકી કરતી હોય છે. મૂળભુત લાભ આપવાની બદલે આવી જાહેરાત કરી લોકોનું ધ્યાન ભટકાવે છે.
મનમોહન સિંહજી વખતે એક જુઠાણું ચલાવવામાં આવ્યું હતું કે સમાન સિવિલ કોડના કાગળો મનમોહન સિંહે વાંચ્યા હોવાનો દાવો કર્યો હતો પણ તે કાગળો આજ સુધી રજૂ કરવામાં આવ્યા નથી. દેશ સંવિધાનથી ચાલે છે. સરકાર એમ કેમ નથી કહેતી કે તમામ ગુનેગારો નો વરઘોડો નીકળશે. UCC પહેલા ભાજપે અભ્યાસ કરવાની જરૂર છે. કોંગ્રેસની એકતા અને અખંડિતા માટે કોંગ્રેસ લડશે.
‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાએ UCC અંગે આપી પ્રતિક્રિયા
‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાએ UCC અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વિવિધતામાં એકતા એ ભારત દેશની ઓળખ છે. દેશ વિભિન્ન ધર્મ સંપ્રદાયો અને જાતિઓમાં વહેંચાયેલો છે જેમના પોતાના અલગ અલગ સામાજિક અને ધાર્મિક નીતિનિયમો છે. સુપ્રિમ કોર્ડના પૂર્વ ન્યાયાધીશ બલવીર સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં 21મી નીતિ આયોગના રિપોર્ટનો પુરેપુરો નિષ્કર્ષ કાઢી અને દેશમાં ‘સમાન નાગરિક સંહિતા’ની કોઈ આવશ્યકતા નથી તેવા રિપોર્ટ આપ્યા હતા. ગુજરાતમાં આદિવાસી સમાજની 15% એટલે કે 1 કરોડ 25 લાખની વસ્તી છે. તેમ છતાં ગુજરાત સરકાર દ્વારા UCC માટેની કમિટીમાં એક પણ આદિવાસી સભ્યનો સમાવેશ નથી.
આદિવાસી સમાજને મળેલ બંધારણીય પ્રાવધાન રક્ષણ આર્ટીકલ-371, અનુસુચિ 5 અને 6, પેસા એક્ટ-1996, શૈક્ષણીક અને રાજકીય અનામત, જમીનોનો રક્ષણ કાયદો, વન અધિકાર અધિનિયમ જેવા અનેક નિયમો UCC લાગુ થવાથી નષ્ટ થઈ જશે. દેશની આઝાદીના 75 વર્ષ પછી પણ આદિવાસી સમાજ અનય કરતા તમામ રીતે પછાત છે. એવામાં UCC લાગુ કરવામાં આવશે તો આદિવાસીઓનું અસ્તિત્વ અને સંસ્કૃતિ ખતમ થઈ જશે.








