મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નર્મદાના કાંઠે રહેતા લોકો જ તરસ્યા! ઘરે ઘરે નળ લગાવી દેવાયા પણ પાણીની આડે આવ્યો ભ્રષ્ટાચાર 

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામા ઉનાળાની શરૂઆત થતાની સાથે પીવાના પાણી માટે મૂંઝવણ ઉભી થાય છે. પથરાળ અને ડું

નર્મદાના કાંઠે રહેતા લોકો જ તરસ્યા! ઘરે ઘરે નળ લગાવી દેવાયા પણ પાણીની આડે આવ્યો ભ્રષ્ટાચાર 

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામા ઉનાળાની શરૂઆત થતાની સાથે પીવાના પાણી માટે મૂંઝવણ ઉભી થાય છે. પથરાળ અને ડુંગરાળવાળો વિસ્તાર હોય જળસ્તર નીચે જતા રહેતા હોય છે. જેથી ગામના લોકોને પીવાનું પાણી મેળવવું ખૂબ મુશ્કેલ બને છે. આ વિસ્તારમાં ઉનાળાના સમયે બોર, કૂવા અને તળાવો સુકાઈ જાય છે. અહીંના લોકોને દૂર દૂર સુધી પાણી મેળવવા ભટકવું પડે છે. બે બેડા પીવાનું પાણી તો જેમ તેમ કરી ને મેળવી લે છે. પણ ગામના લોકોને તેમના મૂંગા પશુઓની ચિંતા ખૂબ સતાવે છે.

ટેન્કરથી પાણી મેળવવાની મજબૂરી

કવાંટ તાલુકામાં 131 ગામો આવેલા છે. જેમાંનું એક ગામ છે સમલ વાંટ. જ્યાં સૌથી મોટી સમસ્યા પીવાના પાણીની છે. જોકે આ સમસ્યાને નિવારણ માટે ત્રણ વર્ષ પહેલા નળ સે જળ યોજનાનો લાભ આ ગામને મળ્યો હતો. ગામના લોકોમાં અનેરી ખુશી જાગી પણ તેમની ખુશી એક દિવસથી વધુ ના ટકી. ઘરે ઘરે આવેલા નળમાં ટેસ્ટિંગ વખતે એક દિવસ પાણી આવ્યું .ત્યાર બાદ આજ સુધી લોકો પાણી ની રાહ જ જોઈ રહ્યા છે. કેટલાક લોકો ટેન્કરથી પાણી મેળવી રહ્યા છે.

ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ

કંટાળેલા ગામના લોકોએ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પીન્ટુ રાઠવાને તેમના ગામના લોકોને પીવાના પાણીની પડી રહેલ સમસ્યાની જાણ કરી હતી. પીન્ટુ રાઠવા આખા ગામમાં ફર્યા જ્યાં એક પણ નળમાં પાણી આવતું ના હતું. એ વાત ગામના લોકોએ પણ કરી. પીવામાં પાણીના સ્ટોરેજ માટે જે ટાંકી બનાવી છે. તે પણ આજે શોભાના ગાઠીયા સમાન છે. તેમાં પણ એક ટીપું પાણી નથી આવ્યું. એટલે સુધી કે આટલા વર્ષો બાદ પણ તેની લાઇન જોડાઈ નથી. પીન્ટુ રાઠવાએ ગામના સ્ટેન્ડ પોઝ જોયા જ્યાં કેટલીક જગ્યાએ નળ પણ લગાડવામાં આવ્યા ન હતા. સ્ટેન્ડ પોઝ પણ તૂટેલી હાલતમાં જોવાયા. સાવ તકલાદી કામ થયેલ કામ હોય યોજના ફેલ ગઈ હોવાનું જણાવ્યું હતું. સાથો સાથ પીન્ટુ રાઠવાએ અધિકારીઓએ પુષ્કળ પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાની વાત પણ કહી. ગામમાં પાણી ન આવવાનું કારણ  એ.સી.ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓને જવાબદાર ગણાવ્યા. તેમણે એ પણ કહ્યું કે અહીંથી દાહોદ સુધી પાણી પહોંચાડયું જેનું દુઃખ નથી. પણ જ્યાંથી પાણી પહોચાડવામાં આવ્યું છે ત્યાં નજીકના ગામના લોકો આજે તરશે મરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો