World Mental Health Day: ગુજરાતમાં 1 લાખની વસ્તીએ માત્ર 318 મનોચિકિત્સકો ઉપલબ્ધ, જરૂરિયાત અનેકગણી વધુ
અદ્યતન જીવનશૈલી, ગળાકાપ સ્પર્ધાના આ યુગમાં માનસિક રોગની સમસ્યા ધરાવતા દર્દીઓમાં સતત વ

અદ્યતન જીવનશૈલી, ગળાકાપ સ્પર્ધાના આ યુગમાં માનસિક રોગની સમસ્યા ધરાવતા દર્દીઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે એટલે કે 10 ઓક્ટોબરના રોજ વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ (World Mental Health Day) મનાવવામાં અવી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં જ ડિપ્રેશન-બેચેનીના કેસમાં બમણો વધારો થયો હોવાનું સામે આવ્યું છે. મનોરોગીઓ સતત વધી રહ્યા હોવા છતાં ગુજરાતમાં 1 લાખની વસ્તીએ 1700ને બદલે 318 મનોચિકિત્સકો ઉપલબ્ધ છે.
હાલ માનસિક સમસ્યા સાથે રોજના 400થી વધુ દર્દીઓનો ઘસારો
ગુજરાતમાં કોવિડ અગાઉ એટલે કે, 2019-20માં ડિપ્રેશનની સમસ્યા ધરાવતા દર્દીઓનું પ્રમાણ 1.02 લાખ હતું અને તે 2024-25માં વધીને 2.08 લાખ થઈ ગયું છે. આજ રીતે એક્ઝાઈટી એટલે કે બેચેનીની સમસ્યા ધરાવતા દર્દીઓ પાંચ વર્ષ અગાઉ 97,900 હતા અને તે હવે વધીને 1.81 લાખને પાર થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદની સરકારી માનસિક આરોગ્યની હોસ્પિટલમાં હાલ માનસિક સમસ્યા સાથે રોજના 400થી વધુ દર્દીઓ આવે છે. પાંચ વર્ષ અગાઉ દરરોજ સરેરાશ 200 જેટલા દર્દી આવતા હતા.
| નિષ્ણાત | ઉપલબ્ધ | |
| 1 | મનોચિકિત્સકો | 318 |
| 2 | માનસિક સ્વા. શિક્ષક | 242 |
| 3 | નિદાન કરતા મનોવિજ્ઞાનિક | 14 |
| 4 | માનસિક. સ્વા.માં પ્રશિક્ષિત નર્સ | 936 |
| 5 | ડીએનપી નર્સ | 39 |
| 6 | મનોરોગ સામાજિક કાર્યકર્તા | 58 |
| 7 | વ્યાવસાયિક મનોવિજ્ઞાનિક | 499 |
પરીક્ષા વખતે આ હેલ્પલાઈન પર કોલ્સમાં વધારો
વિશ્વ આરોગ્ય સંસ્થાના માપદંડ પ્રમાણે પ્રત્યેક 1 લાખની વસ્તીએ 1700 મનોચિકિત્સકો, 700 નિદાન કરી શકે તેવા મનોવૈજ્ઞાનિકો, 700 મનોરોગ સામાજિક કાર્યકર્તા, 3800 મનોરોગ નર્સ અનિવાર્ય છે. પરંતુ ગુજરાતમાં હાલ 1700ની જરૂરિયાતની સામે 318 જ મનોચિકિત્સકો ઉપલબ્ધ છે. માનસિક રોગની સમસ્યા ધરાવતા દર્દીઓના કાઉન્સિલિંગ માટે સરકારની 'માનસ' હેલ્પલાઈનમાં હાલ દરરોજના સરેરાશ 200 કોલ્સ આવે છે. પરીક્ષા વખતે આ કોલ્સમાં પણ વધારો થઈ જતો હોય છે.
નિષ્ણાતોના મતે, અદ્યતન જીવનશૈલી અને દેખાદેખી જેવા પરિબળોને કારણે હવે ટિનેજર્સ અને યુવાનોમાં માનસિક સમસ્યાનું પ્રમાણ વધ્યું છે. આ ઉપરાંત અગાઉની સરખામણીએ હવે લોકોમાં જાગૃતિ પણ આવી છે અને માનસિક સમસ્યા જણાય તો તેઓ તુરંત નિષ્ણાતનો સંપર્ક કરે છે અને આ કારણે પણ દર્દીઓમાં વધારો જોવા મળે છે.






